વીજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલે
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી પાસે કમ્પાસ જીપ ની ઠોકરે કચડાવી નાખી બુલેટ ચાલક યુવાન ની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલી બેવફા પત્ની અને હત્યા નિપજાવનાર તેનો પ્રેમી બંને આરોપીઓને ગઈકાલે પોલીસે અદાલત સમક્ષ રજૂ કરતાં બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે બંને આરોપીઓ ખંભાળિયા હાઇવે પરની બે હોટલોમાં રંગરેલીયા મનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે બન્ને હાઇવે હોટલો ઉપર જઈને નિવેદનો નોંધ્યા છે. સમગ્ર હત્યા પ્રકરણમાં પોલીસ દ્વારા એક ડઝનથી વધુ નિવેદનો નોંધવામાં આવ્યા છે.
જામનગર ના રણજીત સાગર રોડ પર રહેતા અને જમીન મકાનની વેલ્યુએશન નું કામ કરતા રવિ ધીરજલાલ મારકણા નામના 30 વર્ષ ના બુલેટ ચાલક યુવાનની રામનવમીના તહેવારના દિવસે જ કંપાસ જીપ ની ઠોકને અડફેટ માં લઇ હત્યા નીપજાવાઇ હતી, જે હત્યા અંગેના પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે મૃતક યુવાનની પત્ની રીંકલ મારકણા તેમજ તેણીના પ્રેમી એવા કારચાલક અક્ષય છગનભાઈ ડાંગરિયા બંનેની અટકાયત કરી લીધી હતી.
તેઓ પાસેથી ત્રણ નંગ મોબાઈલ ફોન અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કાર વગેરે કબજે કરી લીધા હતા. પોલીસ દ્વારા આ મામલામાં મૃતક યુવાનના પરિવારજનો તેમજ અન્ય જુદી જુદી વ્યક્તિઓ સહિત કુલ 1 ડઝન થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે, તેમ જ અકસ્માતના બનાવના સ્થળ પરથી બુલેટ મોટરસાયકલ અને કારની ટકકર થયા બાદના કેટલાક પુરાવાઓ એકત્ર કરી લીધા છે.
ઉપરાંત આરોપીએ પોતાની પ્રેમિકાને પર્સનલ મોબાઇલ ફોન લઈ આપ્યો હતો, તે મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવી તેની વિશેષ તપાસ ચલાવાઈ રહી છે, જ્યારે બંને પ્રેમીઓ ખંભાળિયા હાઇવે રોડ પર આવેલી બે હોટલોમાં સમયાંતરે રોકાતા હતા, અને ત્યાં બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ બંધાતા હતા. તેઓના રોકાણ અંગેની માહિતી મેળવવા માટે તપાસનીશ પોલીસ અધિકારી એમ એન શેખ તેમ જ સ્ટાફના જયપાલસિંહ જાડેજા, વીરુભા જાડેજા, નિર્મળસિંહ જાડેજા સહિતની ટીમે નિવેદનો નોંધ્યા છે.
સમગ્ર પ્રકરણની તપાસ બાદ બંને આરોપીઓને ગઈકાલે બપોર બાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અદાલતે બંનેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા બંને આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.