સંતાન પોતાનું ન હોવાની પતિએ શંકા કરતા પત્નીએ નવજાત શિશુને ત્યજી દીધું
ટંકારા તાલુકાના ઘુનડા ગામમાંથી નવજાત બાળક મળી આવવાની ઘટનામાં અંતે મોરબી એલસીબી બાળકને ત્યજી દેનારા માતા પિતા સુધી પહોંચી ગઇ છે અને બન્નેને ઝડપી લઇ વધુ તપાસ માટે ટંકારા પોલીસના હવાલે કર્યા છે. બન્નેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પતિને શંકા પડી હતી.થોડા સમય પહેલાં ટંકારા તાલુકાના ઘૂનડા ગામની સીમમાં આવેલા લક્ષદીપ કારખાના સામેથી મોઢા પર મીઠું નાખીને દાટેલી હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું જેને સ્થાનિકોએ બચાવી લઇ મોરબી સિવિલ મોકલી આપતા તેનો જીવ બચી ગયો હતો. ઘટના બાદ એલસીબી તેમજ સ્થાનિક પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.
દંપતિ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાનું વતની હતું.જો દંપતિ તેમના જિલ્લામાં બાળક તરછોડે તો ખબર પડી શકે તેમ હોવાથી તેઓ અગાઉ મજુરી માટે ઘુનડા ગામમાં આવેલા હોવાથી આ વિસ્તારથી પરિચિત હોય અને બાળકની ઓળખ નહી થાય તેવા વિચારે બાળકને છેક ભાભરથી ટંકારા મુકવા દંપતી આવ્યું હતું.
આ બાળકે જે કપડું પહેર્યું હતું તે બનાસકાંઠા જિલ્લાના ભાભર આરોગ્ય કેન્દ્રનું હોવાથી બાળકનો જન્મ આ કેન્દ્રમાં થયો હોવાની પણ શંકા હોવાથી પોલીસે ત્યાં તપાસ કરી હતી જેમાં ભાભર આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલાની પ્રસુતિ થઇ હતી જેનું નામ રક્ષાબેન રમેશભાઈ ઠાકોર જાણવા મળ્યું, જયારે પતિનું નામ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર હતું. અને આ દંપતિ પાસે કોઇ બાળક ન હતું, તેથી પોલીસની શંકા દ્રઢ બની હતી અને પોલીસે હાલ બન્ને ક્યાં રહે છે તે પતો લગાવવા પ્રયાસ શરુ કર્યો હતો.
દરમિયાન બાતમી મળી હતી કે આ દંપતી મોરબી જિલ્લામાં જ હોય અને મીતાણા બ્રીજ આસપાસ છે એ બાતમી આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોચી હતી અને દંપતી ને પકડી પાડી ટંકારા પોલીસને સોપી હતી.
---