તું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકી
શહેરનાં માધાપર ગામમા આવેલી ગ્રામ શકિત ફાઇનાન્સમા સુપર વાઇઝરે લોન ઓફીસરને ફીલ્ડમા જવા બાબતે ધમકી આપી બોચી પકડતા પોલીસમા ફરીયાદ નોધવામા આવી છે. વધુ વિગતો મુજબ આકાશવાણી ચોક પાસેથી ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા નીલેશ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ. 3ર) નામનાં યુવાને ગ્રામ શકિત ફાઇનાન્સ કંપનીનાં સુપર વાઇઝર યુવરાજસિંહ જાડેજા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ધમકી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.નીલેશે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે મુળ પોરબંદરનાં છાયા ગામનો વતની છે અને પોતે ગ્રામ શકિત ફાઇનાન્સ કંપની માધાપર ગામે આવેલી છે ત્યા લોન ઓફીસર તરીકે એકાદ વર્ષથી ફરજ નીભાવે છે.
તા. 24 નાં રોજ સવારનાં સમયે ઓફીસે હતો ત્યારે સુપર વાઇઝર યુવરાજસિંહ જાડેજાએ કહયુ કે તુ ફીલ્ડમા કેમ જાતો નથી અને ફીલ્ડમા જાય તો પાછો સાંજ સુધીમા આવતો નથી. તારો સામા જવાબ દેવાનો એટીટયુડ કાઢી નાખજે કહી ગાળો આપી હતી અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યા બાદ આજે તો તને મારી નાખવો છે તેમ કહેતા ઓફીસમા કામ કરતા ભરતભાઇ, જયોતીન્દ્રભાઇ, મહેશભાઇ અને મહેશભાઇ વોરાએ નિલેશને છોડાવ્યો હતો. આમ યુવરાજસિંહે નિલેશની બોચી પકડી ધમકી આપતા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.