કેમ સીન મારે છે? કહી નવાગામ આણંદપરમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો
શહેરના નવાગામ આણંદપરમાં દાઢી કરીને ઘરે જઇ રહેલા યુવાન પર બે સગાભાઇએ હુમલો કરતા તેમના વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટનામાં ફરિયાદી અજયભાઇ ભોલાભાઇ કાનજીયાએ પોતાની ફરિયાદમાં જેન્તીભાઇ રામભાઇ વડીયારા અને તેમના ભાઇ ભાવેશ વિરુદ્ધ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસના પી.આર.મકવાણાના સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી છે. અજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરના સમયે પોતે વાળંદની દુકાનેથી પોતાના ઘરે દાઢી કરાવી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જેન્તી મળતા તેમણે તું સીન કેમ મારે છે? તેમ કહેતા અજયે કહ્યું કે, મે ક્યાંય તારું નામ લીધું? તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા જેન્તી ગાળો આપવા લાગ્યો હતો અને થોડી વારમાં તેનો ભાઇ ભાવેશ આવી જતા તેણે પણ બોલાચાલી કરી પથ્થરનો ઘા કરતા અજયને આંખના ભાગે અને વાંસાના ભાગે ઇજા થઇ હતી. ત્યાર બાદ અજયને ચક્કર આવી જતા પોતે નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ ત્યાં આજુબાજુના લોકો એકઠા થઇ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઘવાયેલા અજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.