વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં વોર્ડન જામીન મુક્ત
રાજકોટમાં વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં જેલ હવાલે રહેલા મુખ્ય આરોપી વોર્ડનને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ પાસે શીતલ પાર્ક રોડ શહીદ સુખદેવ ટાઉન શીપ બી-1/701 માં રહેતા કમીશન એજન્ટ સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યાએ એકતા એન્ટ્રપ્રાઈઝના માલિક શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે રૂૂ.32 લાખ આપ્યા હતા. જે ભાવમા કપાસની ગાસડી ન મળતા શૈલેશભાઈએ તેના માણસ વિક્રમને રૂૂ.32 લાખ પરત આપવા બપોરના અરસામાં રેસકોર્ષ લવ ગાર્ડન પાસે મોકલ્યો હતો.
સમીરભાઈ પણ રૂૂપિયા લેવા પોતાનું સ્કૂટર લઈ રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે પહોંચ્યા હતા. સમીરભાઈને રૂૂપિયા ભરેલો થેલો વિક્રમે આપ્યો હતો. તે દરમિયાન બે સ્કુટરમાં ચાર શખ્સો ધસી આવ્યા હતા. અને પોલીસની ઓળખ આપી સ્કુટરમાં અલગ અલગ સ્થળે લઈ જઈ ગાળો ભાંડી થપ્પડ મારીને રૂૂપીયા ભરેલો થેલો લુંટી લીધો હતો. પોલીસ તરીકેની ઓળખ આપનાર શાહબાઝ મોટાણી સમીરભાઈને પ્ર.નગર પોલીસ મથક લઈ આવતા ભાંડો ફૂટ્યો હતો.
જે અંગે પ્રનગર પોલીસે ગુનો દાખલ કરી શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણી, અતીક દોસ્ત મહમદભાઈ સુમરા, મહેશ ખોડાભાઈ વાઘેલા, દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ, નીશાંત અશોકભાઇ બોરસદીયા અને અમીત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટની ધરપકડ કરી હતી અને શાહબાઝના ઘરેથી જ રૂૂપિયા ભરેલો થેલો પણ જપ્ત કરવામાં આવતા તેમાંથી રૂૂ.22 લાખ રૂૂપિયાની જ રોકડ રકમ હતી. જેલ હવાલે રહેલા આરોપી શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણીએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ જજ સાહેબ આઈ.બી. પઠાણે આરોપી શાહબાજ મોટાણીની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કામમાં આરોપી વતી એડવોકેટ તરીકે રાજકોટના યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વિજય સીતાપરા, વિવેક સોજીત્રા, દિવ્યાબા વાળા, સજય કાટોળીયા અને ધનશયામ સિરોડીયા રોકાયા હતા.
