ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો
ખંડણી લઇ કણકોટ પાસે ભાડુતી મારાઓએ વેપારીની કરેલી ચકચારી હત્યામાં હથિયાર પ્રિતમસિંગે સપ્લાય કર્યા હતાં
રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યાકેસમાં હથિયાર સપ્લાય કરનાર અને છેલ્લા 10 વર્ષથી ગુજરાત ભરમાં હથિયાર પુરા પાડનાર મધ્ય પ્રદેશના શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. પકડાયેલો આ શખ્સ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને એટીએસના ચોપડે છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ હતો. જેની ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ સહિત ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે હથિયાર સપ્લાય કરનાર અને એટીએસ તેમજ જૂનાગઢ અને રાજકોટ પોલીસ ચોપડે છેલ્લા 10 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના ઓસવાડા ગામના પ્રિતમસીંગ નીમસીંગ ભાટિયા ઉ.વ.54 મધ્યપ્રદેશના એક વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એએન પરમાર અને એમ.કે. મોવલિયાની ટીમે આ શખ્સને પકડવા માટે ગુપ્ત ઓપરેશન પાર પાડી તેની ધરપકડ કરી હતી.
રાજકોટમાં વર્ષ 2015માં થયેલી ચકચારી રિપલ ચનિયારા મર્ડર કેસમાં હથિયાર પ્રિતમસિંગે આપ્યા હતાં. વાવડીમાં દુકાન ધરાવતા વેપારી રિપલ બાબુ ચનિયારાની કણકોટ રોડ પર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તેની પત્ની અને સોપારી આપનાર શખ્સ વચ્ચેના આડા સબંધ કારણભૂત હોવાનું જે તે વખતે બહાર આવ્યું હતું. રિપલની ભાડુતી મારાઓ પાસે હત્યા કરાવ્યા બાદ પોતે પકડાઈ જશે તેવા ડરથી અનિલ માકડિયાએ પણ જાતે ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં રિપલની પત્ની હર્ષિદા અને રિપલને મોતને ઘાટ ઉતારવા માટે 20 લાખની સોપારી આપનાર દર્શક અનિલમ ાકડિયા વચ્ચે સબંધ હતાં. રિપલની હત્યા બાદ હર્ષિદા સાથે લગ્ન કરવા તે ઈચ્છતો હતો જેથી આ કાંડને અંજામ આપવામાં આવ્યો હતો.
આ ચકચારી હત્યા કેસમાં જે તે વખતે માલવિયા નગર પોલીસે માંગરોળના મેણેજ ગામના કાનો વરજાંગ આહિર, સોંદરડાના સાગર હરિ કારાવડિયા, ભાવિન ઉર્ફે કાનો પાડલિયા અને મનીષ પાડલિયાની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં હત્યા માટે જે હથિયાર આપવામાં આવ્યા હતાં તે હથિયાર પ્રિતમસિંગે આપ્યાનુ જાણવા મળ્યું હતું. પ્રિતમસિંગે રાજકોટ ઉપરાંત ગુજરાતમાં 10 જેટલા હથિયાર સપ્લાય કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડિસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી બસિયા,ની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા, પીઆઈ એલએલ ડામોરની ટીમના પીએસઆઈ એએન પરમાર, પીએસઆઈ એમ.કે. મોવલિયા સાથે સ્ટાફના જલદીપસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારિયા, અશોકભાઈ કલાલ, સુભાષભાઈ ઘોઘારી, કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, મહાવીરસિંહ ચુડાસમા, સંજયભાઈ ખાખરિયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.