ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલ વિનોદનગરના પેડલરને PIT હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
માદક પદાર્થોની હેરાફેરી કરતાં તત્વો સામે એસઓજીની કાર્યવાહી
શહેરમાં માદક પદાર્થ ગાંજો તેમજ ડ્રગ્સ સહિતની હેરાફેરીમાં સંડોવાયેલ પેડલરો સામે એન.ડી.પી.એસ.ના પીઆઈટી હેઠળ પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસઓજી દ્વારા આવા ડ્રગ્સ પેડલરોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવી રહ્યાં છે ત્યારે આવા વધુ એક પેડલરને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં યુવા વર્ગને નશાના રવાડે ચડાવતાં અટકાવવા માટે માદક પદાર્થોના જથ્થા સાથે અને હેરાફેરીમાં પકડાયેલા પેડલરો સામે એેનડીપીએસના પીઆઈટી હેઠળ એસઓજી કાર્યવાહી કરી રહી છે અને સમગ્ર ગુજરાતમાં પીઆઈટી હેઠળ કાર્યવાહી કરવામાં એસઓજી પ્રથમ નંબરે રહી છે ત્યારે વધુ એક પેડલર સામે પીઆઈટી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરનાં વિનોદનગરમાં રહેતાં અને અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા શાહરૂખ રહીમ મકવાણા સામે પીઆઈટી હેઠળ કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હોય જેની સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ડીઆઈજી દ્વારા મંજુરી આપવામાં આવતાં શાહરૂખને વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
એસઓજીનાં પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ સાથે સ્ટાફના અરૂણભાઈ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઈન્દ્રસિંહ જાડેજા, ફીરોજભાઈ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહિલ, મૌલીકભાઈ સાવલીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર સાથે પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.