ડુમસના જમીન કૌભાંડની તપાસમાં વિજિલન્સે ઝુકાવ્યું
બે હજાર કરોડના જમીન કૌભાંડનો ચીફ સેક્રેટરી પાસેથી રિપોર્ટ માગ્યો, સસ્પેન્ડ કલેક્ટર આયુષ ઓકની મુશ્કેલી વધવાના અણસાર
સુરતમાં ડુમસની 2000 કરોડની બજાર કિંમત ધરાવતી જમીનના કૌભાંડમાં સ્ટેટ વિજિલન્સ કમિશન એક્શનમાં આવ્યું છે. કમિશને ચીફ સેક્રેટરી પાસે આ પ્રકરણનો ડિટેઈલ રિપોર્ટ મગાવ્યો છે. આ અંગે આ મુદ્દો સામે લાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકને પણ લેખિત જાણ કરાઈ છે.
સુરતના છેવાડે ડુમસમાં આવેલી સર્વે નં. 311/3 વાળી 2.17 લાખ ચોરસ મીટર સરકારી શિર પડતર જમીનમાં ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા માટે થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ઉઠાવ્યો હતો.
આ પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર આયુષ ઓકની ભૂમિકા હોવાથી તેમને સરકારે સસ્પેન્ડ પણ કર્યા છે. આ પ્રકરણમાં તુષાર ચૌધરી અને દર્શન નાયકે રાજ્યના તકેદારી આયોગને જવાબદાર અધિકારીઓ અને શખ્સો સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવા માટે ફરિયાદ કરી હતી. તેના સંદર્ભમાં તકેદારી આયોગે ચીફ સેક્રેટરી પાસે આ વિષયનો ડિટેઈલ રિપોર્ટ મગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં હાલ મહેસુલ પંચે કાયમી મનાઈ હુકમ ફરમાવી દીધો છે.
સુરતના ડુમસ જમીન કૌભાંડની હકીકત એવી છે કે, ડુમસ ખાતે સર્વે નં. 311/33 વાળી અંદાજિત 217216 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ 1948-49થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી. આ જમીનમાં નોંધ નં. 582થી ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ હતું.
આ કિસ્સામાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને કરાયેલી ફરિયાદમાં જે પ્રશ્નો ઉભા કરાયા હતાં તે એ પણ હતાં કે, સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે? જેથી સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરાયું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર છે.
જો કે નિયમ પ્રમાણે આ રીતે કોઈપણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા મહેસુલી અધિકારી પાસે હોય છે. કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા મહેસુલી અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની રહે છે. આ કિસ્સામાં તે પણ કરાયું નથી. કોઈપણ આધાર પુરાવા વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવાયા હતા અને સમયાંતરે તેનું ગણોતિયા દ્વારા વેચાણ પણ કરાયું હતું.