વંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદ
વંથલી 108માં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે કોલ આવતા કાજલીયાળા દર્દીને લેવા ગયા હતા ત્યારે દર્દીએ 108 એમ્બ્યુલન્સના કર્મચારી સાથે માથાકુટ અને મારામારી કરી 1200 રૂૂપિયા લૂંટી લીધા હતા. વંથલી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં પણ માથાકુટ કરી હતી ત્યાંના સ્ટાફે બચાવવા પડયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદમાં રહેતા અને વંથલી 108 એમ્બ્યુલન્સમાં ઇએમટી તરીકે ફરજ બજાવતા જયદીપકુમાર નાનાલાલ નિમાવત ગઇકાલે સાંજે સાતેક વાગ્યે ફરજ પર હતા ત્યારે અમદાવાદ હેડ ઓફિસથી કોલ આવ્યો હતો જેમાં મોટા કાજલીયાળાના કંચનબેન જયેશભાઈ વઘેરાએ પોતાના પતિ જયેશ વઘેરાને છાતીમાં દુ:ખતું હોવાનું જણાવ્યું હતું આથી જયદિપકુમાર તથા ડ્રાઈવર કુલદિપભાઈ વાંક કાજલીયાળા કંચનબેનના ઘરે પહોંચ્યા હતા. તેણે જયેશભાઈને છાતીમાં દુ:ખતું હોવાથી સારવારમાં લઈ જવાની વાત કરી હતી. 108ના સ્ટાફે તમારે સારવારમાં ક્યાં જવું છે તેમ પૂછતા જયેશ વઘેરાએ પતમારે માથાકુટ કરવી છેથ તેમ કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉભા થઈ 108ના કર્મીઓને માર મારવા દોડયો હતો.
જયેશ તથા તેની પત્ની 108માં બેસી ગયા હતા. તેને લઈને વંથલી સરકારી હોસ્પિટલ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં જયેશ વઘેરાએ 108ના કર્મચારીઓને બેફામ ગાળો આપી માર માર્યો હતો અને જયદિપકુમારના ખિસ્સામાંથી 1ર00 રૂૂપીયા બળજબરીપૂર્વક કાઢી લૂંટી લીધા હતા. પૈસા પરત આપી દેવા કહેતા જયેશ વઘેરાએ પતારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી દેજે, હું કોઈથી બીતો નથીથ. 108નો સ્ટાફ જયેશને સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવતા ત્યાં પણ જયેશે ગાળાગાળી કરી માર માર્યો હતો ત્યારે વંથલી હોસ્પિટલના સ્ટાફ તથા મેડિકલ ઓફિસરે વચ્ચે પડી 108ના કર્મચારીઓને બચાવ્યા હતા. ફરી જયદિપકુમારે પૈસા પરત માંગતા જયેશ વઘેરાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી.
આ અંગે 108ના કર્મચારીએ તેના ઉપરી અધિકારીને જાણ કરી હતી. તેણે કાયદેસર કાર્યવાહીની સુચના આપતા આજે 108ના ઈએમટી જયદિપ નિમાવતે કાજલીયાળાના જયેશ વઘેરા સામે ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પણ જયેશ વઘેરાએ 108ના સ્ટાફ સાથે માથાકુટ કરી હતી. વંથલી પોલીસે જયેશ વઘેરા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.