વડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારી
નેચરોપેથી તબીબ રીઢો વાહનચોર નીકળ્યો, સાગરીતો સાથે મળી અનેક કાર ઉઠાવી, સિરપકાંડમાં પણ હાથ અજમાવી લીધો
રાજકોટના ભંગારના વેપારી તાહિરે ચોરાઉ કારને સ્ક્રેપમાં ફેરવી પાર્ટસ વેચી નાખ્યા, 7 લાખનો મુદ્દામાલ કબજે
શહેરમાં ફોરવીલ ચોરીના વધેલા ગુનાના પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચે કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરી તેઓ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શહેરમાં કાર ચોરીના ગુનામાં રીઢો આરોપી નેચરોપેથી તબીબ 50 વર્ષીય હરેશ દુલાભાઈ માણિયા પણ શંકાના દાયરામાં આવતા પોલીસે તેની શોધખોળ શરૂૂ કરી.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નેચરોપેથી તબીબ હરેશ માણિયા શહેરના સમા તલાવડી રોડ ખાતે સફેદ રંગની મારુતિ ઈકો કાર લઈને આવવાનો છે, જેથી પોલીસે બાતમીના સ્થળે વોચ ગોઠવી હતી અને નંબર મુજબની ઈકો કાર આવતા જ પોલીસે કારને કોર્ડન કરીને આંતરિક કારચાલક તબીબ હરેશને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસે ઈકો કારના કાગળોની માગણી કરી પણ તેની પાસે કાગળો ન હોઈ તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
આરોપી હરેશ પાસેથી રોકડા 25 હજાર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો. હરેશ સામે અમદાવાદ સહિત અન્ય સ્થળોએ કાર ચોરીના 144 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેણે તેના સગા ભાઈ અરવિંદ દુલાભાઈ માણિયા સાથે મળીને અત્યાર સુધી વડોદરામાં સુરસાગર તળાવ પાસેથી બે ઈકો કારની તેમજ ગત ડિસેમ્બર માસમાં કારેલીબાગના આનંદનગર ગરબા ગ્રાઉન્ડ પાસેથી સફેદ રંગની એક ઈકો કારની ચોરી કરી હતી.
આ પૈકીની કારેલીબાગ અને સુરસાગર કિનારેથી ચોરી કરેલી બે ઈકો કાર તેઓએ રાજકોટમાં સ્ક્રેપનો વેપાર કરતાં તાહેર અનવરહુસેન ત્રિવેદીને વેચી દીધી. આરોપી તાહેર અનવરહુસેને કાર ગોડાઉનમાં કટીંગ કરી નાખી. જ્યારે સુરસાગર કિનારેથી ચોરી કરેલી એક ઈકો કાર હરેશે સમા કેનાલ રોડ પર પાર્ક કરીને છુપાવી હતી. આ ચોરીની ઈકો કારને પણ તાહેરને સ્ક્રેપમાં આપી દેવાની હોઈ તેઓ ત્રણેય જણા કારમાં આવ્યા છે, તેમજ અરવિંદ અને તાહેર થોડે દૂર તેની રાહ જોઈ રહ્યા છે. આ વિગતોના પગલે પોલીસે તપાસ કરી નજીકના વિસ્તારમાં બ્રેઝા કારમાં હરેશની રાહ જોઈ રહેલા અરવિંદ માણિયા અને તાહેર ત્રિવેદીને પણ ઝડપી પાડ્યા.
પોલીસે ત્રણેયની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરી જેમાં એવી ચોંકાવનારી વિગતો મળી હતી કે હરેશ અને અરવિંદ માણિયા રીઢા વાહનચોર છે અને તેઓની વિરુદ્ધ અમદાવાદ અને વડોદરામાં કાર ચોરીના 144 ગુના નોંધાયેલા છે તેમજ 140 જેટલા ગુનામાં તેની ધરપકડ પણ થઈ છે. ત્રણેય આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર હરેશ માણિયા બેચલર ઓફ ઈસ્ટર્ન મેડિકલ એન્ડ સર્જરી (બીઈએમએસ)નો યુનાની તબીબનો એટલે કે નેચરોપેથીનો કોર્ષ કરેલો છે અને અગાઉ તે તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો.આરોપી બાવળા ખાતે શ્રીજી ક્લિનિક નામે દવાખાનું પણ ચલાવતો હોવાનું સામે આવ્યું. સીરપ કાંડમાં પણ આરોપીનું નામ ખુલ્યું હતું, જેના કારણે ક્લિનિક બંધ કરવાની ફરજ પડી, ત્યારબાદ કાર ચોરીના રવાડે ડોક્ટર ચઢી ગયો. ડોક્ટર હરેશનો ભાઈ અરવિંદ માણિયા એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, જ્યારે આરોપી તાહેર અનવરહુસેન ત્રિવેદી રાજકોટમાં રાજ સ્ક્રેપના નામે વ્યવસાય કરે છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તબીબ હરેશ માણિયા, તેના સગા ભાઈ અરવિંદ અને સ્ક્રેપના વેપારી તાહેર ત્રિવેદી પાસેથી સુરસાગર પાસેથી ચોરી કરેલી એક ઈકો કાર તેમજ ચોરીની કારને લઈ જવા માટે ઉપયોગમાં લીધેલી બ્રેઝા કાર, ત્રણ મોબાઈલ ફોન અને રોકડા 25 હજાર સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની વધુ તપાસ હાથ ધરી છે.