વાછકપર (બેડી) ગામે બે કારખાનાની ઓરડીઓમાં તસ્કરો ત્રાટક્યા: શ્રમિકોના 10 મોબાઇલ અને રોકડની ચોરી
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા વાછકપર (બેડી) ગામે બે કારખાનાની ઓરડીઓમાં તસ્કરો ત્રાટકી શ્રમિકોના 10 મોબાઇલ અને રૂા.55 હજારની રોકડ ચોરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજમાં કેદ ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં જસરાજનગર શેરી નં.5માં અને વાછકપર (બેડી) ગામે સોલ ટેક્સ પેપર લીમીટેડ નામનો કારખાનો ધરાવતા ધવલ વિનોદભાઇ ખુંટ (ઉ.વ.32)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.16ના રાત્રીના બે વાગે તેઓ ઘરે હતા ત્યારે તેના મેનેજર જયદિપભાઇનો ફોન આવેલો અને આપણા મજુરોના રૂમમાં ચોરી થઇ છે. તેમ વાત કરતા તેઓ કારખાને દોડી ગયા હતા અને તપાસ કરતા અજાણ્યા શખ્સો દ્વારા તેમના મજુરોના રૂમમાંથી 7 મોબાઇલ અને રોકડા રૂપિયા 15 હજારની ચોરી થઇ હતી. આ ઉપરાંત તેમની બાજુમાં આવેલા હિતેન્દ્રભાઇ મેરાના જે.એસ.બી.ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના મજુરોના રૂમમાંથી 3 મોબાઇલ અને રૂા.40 હજાર રોકડ ચોરી થઇ હતી. આમ કુલ 10 મોબાઇલ અને રૂા.55 હજારની રોકડ મળી કુલ રૂપિયા 1.15 લાખની ચોરી થયા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કારખાનેદાર દ્વારા તેના કારખાનામાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં રાત્રીના એકથી સવા બે વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા શખ્સો ચોરી કરવા આવ્યાનું કેદ થઇ ગયું હોય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્કરો ગતિમાન ર્ક્યા છે.