સાવરકુંડલાના પોસ્ટકર્મી પાસેથી 1.10 લાખની સામે રૂા.92 હજાર વ્યાજ વસૂલતો વ્યાજખોર
સાવરકુંડલામાં રહેતા એક પોસ્ટ કર્મચારીને 1.10 લાખની રકમ તગડા વ્યાજે નાણાં ધીર્યા બાદ શેલણા ગામના વ્યાજખોર શખ્સે 92 હજારનું વ્યાજ વસુલી સમાધાન માટે વધુ 6 લાખ રૂૂપિયાની માંગણી કરી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
સાવરકુંડલામાં આશોપાલવ સોસાયટીમાં રહેતા અને દાહોદની હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા રમેશભાઈ માવજીભાઈ પરમારે આ બારામાં સાવરકુંડલા તાલુકાના શેલણા ગામના દિપક ગોવિંદભાઈ ખુમાણ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું છે કે આ શખ્સ લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરે છે અને તેના પિતાએ 2018ની સાલમાં આ શખ્સ પાસેથી રૂૂપિયા 1.10 લાખની રકમ 3 ટકાના માસીક વ્યાજે લીધી હતી. જેના બદલામાં તેના પિતાએ શેલણા ગામે આવેલો તેમના 1.11 લાખના પ્લોટનું કરારખત કરી આપ્યું હતું.
ત્યારબાદ વ્યાજ સ્વરૂૂપે આ શખ્સને રોકડા અને ઓનલાઈન મળી કુલ 92 હજાર ચુકવ્યા હતા. છતાં ચક્રવૃદ્ધી વ્યાજ ગણી વધુ રકમ પડાવવા તેણે અગાઉ લીધેલા કોરા ચેકમાં રકમ ભરી ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો અને આ કેસમાં સમાધાન માટે રૂૂપિયા 6 લાખની માંગણી કરી નોકરીમાંથી બરતરફ કરાવવાની ધમકી પણ આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.