લુખ્ખા તત્ત્વો બેફામ: કારડિયા સમાજના ઉપપ્રમુખના મકાન ઉપર મધરાત્રે પથ્થરમારો: કારમાં તોડફોડ
રાજકોટમાં પોલીસનો ખૌફ ઓસરતો હોય તેમ લૂખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે કુખ્યાંત શખ્સ સહિતની ટોળકીનો વધુ એક આતંક સામે આવ્યો છે. જયરાજ પ્લોટમાં કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખના મકાન ઉપર મધરાત્રે પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી. ગાળો બોલવાની ના પાડતા આતંક મચાવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી બે શખ્સોને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જાણવા મળતી વિગત મુજબ જયરાજ પ્લોટ શેરી નં.9માં રહેતા અને કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભરતભાઇ ડોડીયા ગત રાત્રે 10 વાગ્યાના અરસામા તેના રામનાથપરા સ્થિત મકાને હતા ત્યારે ઘર પાસે કુખ્યાંત રાહિલ સુમરા સહિતના શખ્સો ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતા તે ‘હમણા આવું છુ’ કહી ભાગી ગયો હતો.
બાદમાં બે સ્કૂટરમાં અન્ય શખ્સો સાથે ધસી આવી ઝઘડો કર્યો હતો. જો કે, લોકો એકઠા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.બાદમાં મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં ભરતભાઇ જયરાજપ્લોટ સ્થિત મકાને હતા ત્યારે આરોપીઓએ ધસી આવી મકાન ઉપર પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો તથા ઘર પાસે પડેલી કારમાં પણ તોડફોડ કરી નાશી છૂટયા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી બે શખ્સોને સકંજામાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
રાહિલ સુમરા સહિતની ટોળકી વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા હોય તેના વિરૂદ્ધ ગુંડાધારો કે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.