વઢવાણમાં બેરોકટોક ખનીજ ખનન, કપચી ભરેલા ડમ્પર સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત
વઢવાણ પંથકમાં ખનીજ ચોરી પકડવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કપચી ભરેલા 2 ડમ્પર પકડાયા હતા. આથી રૂૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન બેરોકટોક ચાલી રહ્યું છે. ખનીજ ખનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
જિલ્લાના થાન, મૂળી તેમજ સાયલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ખનીજ રેડોના કારણે ભૂમાફિયાઓમાં દોડધામ મચી છે. તો બીજી તરફ હવે વઢવાણ તાલુકામાં રેતી સહિત ખનીજ ચોરી વધી છે. ત્યારે તા.7-4-2025ના રોજ કલેક્ટર સુરેન્દ્રનગરની તેમજ વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળાની સૂચનાથી વોચ ગોઠવાઇ હતી. જેમાં વઢવાણ ટીમના અનિરૂૂદ્ધસિંહ ચાવડા, અનિરૂૂદ્ધસિંહ નકુમ, મહાદેવભાઇ નાકીયા, ચેતનભાઈ કણઝરીયા સહિતની ટીમ દ્વારા વઢવાણથી વાઘેલા રોડ પાસે ચેકીંગ હાથ ધર્યું હતું.
આ ચેકિંગમાં ગેરકાયદે ખનીજ વહન કરતા કુલ 2 ઓવરલોડ રોયલ્ટી પાસ પરમીટ વગર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર પકડાયા હતા. આથી ડમ્પર સહિત અંદાજે કુલ રૂૂપિયા 90,00,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. આ ટીમ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.