ભૂજની વાયર ચોરી કરતી ગેંગ સામે અસંગઠિત ગુનો નોંધાયો
ચોરીના બનાવો વધતા અટકાવવા તથા ગેંગ બનાવી મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઇસમો સામે કડક કાર્યવાહીની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એલસીબીએ ભુજની વાયરચોર ટોળકી વિરુદ્ધ ગેંગ સંબંધી ગુનો દાખલ કરી બેની અટક કરી છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ જખૌ, જખૌ મરિન, દયાપર, નલિયા, નખત્રાણા, ગઢશીશા અને માંડવી પોલીસ વિસ્તારમાં સંગઠિત બની છેલ્લાં દસેક વર્ષથી વીજવાયરની ચોરી કરતી ટોળકીના આરોપી હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર, વસીમ જુસબ કુંભાર, અબ્બાસ અલીમામદ કકલ, સુલતાન હુસેન કુંભાર (રહે. તમામ ભુજ) તથા સુલેમાન ઉર્ફે સલુ ઇસ્માઇલ સંગાર (રહે. બાડિયારા, તા. નખત્રાણા) અને સિકંદર જાફર લુહાર (રહે. મોટી બાલાચોડ) વિરુદ્ધ એલસીબીના એચ.આર. જેઠીએ સરકાર તરફે ફરિયાદી બની બી-ડિવિઝન પોલીસ મથકે ગેંગ (ટોળકી) સંબંધે ગુનો દાખલ કરાવ્યો છે. આ ટોળકીના આરોપીઓ પૈકી હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર અને અબ્બાસ અલીમામદ કકલને એલસીબીએ ઝડપી આગળી કાર્યવાહી અર્થે બી-ડિવિઝનને સોંપ્યા છે. બાકીના ચારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.