તુ કેમ કાવા મારે છે તેમ કહી અજાણ્યા શખ્સોએ બાઈકચાલકને માર મારી રોકડની લૂંટ ચલાવી
મૂળ જસદણના ભાડલા ગામનો વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં રહેતો યુવાન મા ગૌશાળા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તું કેમ કાવા મારેશ તેમ કહી માર મારી રૂૂ.3750 ની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જસદણ તાલુકાના ભાડલા ગામના વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં રહેતો સુરેશ નાજાભાઈ ચાવડા નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ મા ગૌશાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તું કેમ કાવા મારેશ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ ચાવડા સેંટિંગ કામ કરી ઘરે પરત ફરતો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ આંતરી માર મારી રૂૂ.3750 ની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા બનાવમાં કુબલીયાપરા વિસ્તારમાં રહેતો નિલેશ ભરતભાઈ પરમાર નામનો 28 વર્ષનો યુવાન થોરાળા પોલીસ સ્ટેશન પાસે મેઇન રોડ ઉપર ઉભો હતો ત્યારે અજય, અમિત અને લાલિયા સહિતના શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.