વોરાકોટડામાં આધેડની હત્યાની ઘટનામાં કાકા-કાકી અને પિતરાઇ ભાઇ-ભાભીની ધરપકડ
ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા તથા તેના પુત્ર સહિત ના પરીવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આ આધેડનું મોત થયું હતું. જ્યારે તેના પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં હત્યારા કાકા કાકી તેનો પુત્ર તથા પુત્રવધુને વોરાકોટડા ની સીમમાં થી જડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા (ઉ.વ 45) અને તેના પુત્ર અનિલ સાકરિયા (ઉં.વ 23) પર રાત્રીના દોઢેક વાગે તેમના પિતાની વાડીએ હતા ત્યારે રમેશભાઇના કાકા ચીનુ જીણાભાઇ સાકરીયા તેના પત્નિ સવિતાબેન, પુત્ર અજય ઉર્ફ ટીટો તેની પપત્નિ હેતલે ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા છરીનાં ચાર થી પાંચ ઘા રાજેશભાઇ ને લાગતા લોહીલુહાણ હાલત માં ઢળી પડયા હતા.પુત્ર અનિલ ને પણ છરીનાં લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ઇજાગ્રત અનિલ સાકરિયાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે મૃતક રાજેશભાઈ નાં પુત્ર અનિલે પોલીસ ફરિયાદ માં ચિનુ જીણા સાકરીયા તેના પત્નિ સવિતાબેન તેનો પુત્ર અજય ઉર્ફ ટીટો તથા તેની પત્નિ હેતલબેનનાં નામ આપી જણાવ્યુ કે રાત્રીનાં મારા દાદા નાથાભાઈ ની વાડીનાં સેઢા પાસે આરોપીઓ દ્વારા બે ફુટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીઓ ગત રાતે મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી જગડો કરી રહ્યા હતા.તેની જાણ મારા પિતાને થતા હું અને મારા પિતા દાદા ની વાડીએ પંહોચ્યા હતા.અને સમજાવવા જતા અમારી ઉપર છરીથી હુમલો કર્યો હતો.
રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે જ્યારે અજય ઉર્ફ ટીટો તેનો ભાઇ છે. વારસાઈ જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટો ચાલતી હતી. ખેતરમાં હલણ પ્રશ્ન તેમજ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા. દરમિયાન ગઈકાલ રાત્રીના પિતા-પુત્ર સહિતનાએ આવી ઝઘડો કરી બાદમાં છરી વડે હુમલો કરી દીધો હતો.
હત્યાના બનાવને લઈ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.ડી. પરમાર તથા આ અંગે તપાસ હાથ ધરી આરોપીઓ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.