બિલ વગરની ચાંદીની હેરાફેરીનું રેકેટ ઝડપાયું
રાજકોટથી મધ્યપ્રદેશ ડિલિવરી આપવા જતાં કારીગરની 24.69 લાખના ચાંદીના દાગીના સાથે અટકાયત
રાજકોટથી બિલ વગરની ગેરકાયદેસર ચાંદી મધ્યપ્રદેશ મોકલવાના રેકેટનો રેલવે પોલીસે પર્દાફાશ કરી રૂા. 24.69 લાખના ચાંદીના દાગીના સાથે ડિલેવરી મેનની ધરપકડ કરી છે. રાજકોટમાં ઘણા વર્ષો પહેલા ચાલતા ચાંદીના દાગીનાની દાણચોરીનું રેકેટ ફરીથી સક્રિય થયું હોય જેને તોડી પાડવા માટે પોલીસે પણ કમર કસી છે.
રાજકોટ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર-1 ઉપરથી શંકાસ્પદ રીતે નિકળેલા રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે પટેલ નગર-7માં રહેતા મુળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના બછેડી ગામના વતની છોટુ શ્રીસંતોષીલાલ શર્મા (ઉ.વ.26)ની અટકાયત કરી તેના પાસે રહેલા થેલામાં તપાસ કરતા ચાંદીના અલગ અલગ દાગીનાઓ મળી આવતા જેમાં ચાંદીના 25 શ્રીફળ, બે વાટકા, ચાંદીના ટોન રો-મટીરીયલ 15 કિલો, બે કિલો પેડલ, 1 કિલો 200 ગ્રામ કઈડા, 1.930 ગ્રામ જેન્ટ્સ બ્રેસ્લેટ, 17.200 કિ.ગ્રા. ચાંદીના પાયલ સહિત રૂા. 24.69 લાખના ચાંદીના દાગીના તેમજ મોબાઈલ સહિત રૂા. 24.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ચાંદીની ગેરકાયદેસર હેરાફેરીના આ નેટવર્કના રેલવે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, રાજકોટથી બિલ વગર ગેરકાયદેસર રીતે આ ચાંદીના દાગીના અન્ય રાજ્યમાં સપ્લાય કરવાના હતાં. જેમાં પોલીસે આ કારીગર જેના માટે ડિલેવરી કરવા જતો હતો તે વેપારીની પણ પુછપરછ શરૂ કરી છે. રેલવે પોલીસ મથકના પીએસઆઈ જયુભા પરમાર, પીએસઆઈ હિતેન્દ્રસિંહ રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષો પૂર્વે રાજકોટથી ટ્રેન મારફતે ચાંદી અને ચાંદીના દાગીનાઓની દાણચોરી અને હેરાફેરી થતી હતી જે નેટવર્ક રેલવે પોલીસે તોડી પાડ્યા બાદ ઘણા વર્ષો પછી ફરીથી આજ મેડેસ ઓપેન્ડીથી ચાંદીના દાગીના અને ચાંદીનું દાણચોરીનું નેટવર્ક સક્રિય થયું છે. જે અંગે રેલવે પોલીસના વડા બલરામ મીણાની સુચનાથી રેલવે પોલીસની ટીમ આ નેટવર્કને શોધવા મેદાને પડી છે.