ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટી
શહેરમાં ધરમનગર આવાસ યોજનાના ક્વાટરમાં રાત્રીના મારામારી થઈ હતી. જેમાં સામસામે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં બન્ને પક્ષના લોકો સામસામે આવી જતાં બઘડાટી બોલી હતી. આ દરમિયાન ફરજ પર રહેલા સિક્યુરીટી ગાર્ડે બન્ને પક્ષ પાસેથી હથિયારો કબ્જે કરી મામલો થાળે પાડયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મવડી રોડ ઉપર આવેલા યમુના નગરમાં રહેતો વિશ્ર્વાસ કાનજીભાઈ પાટડિયા નામનો 31 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ધરમનગરના આવાસ યોજનાના ક્વાટરમાં મિત્ર કાનાના ઘરે હતો ત્યારે ઉત્સવ, નયન અને ભાર્ગવ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઈંટ વડે માર માર્યો હતો.
જ્યારે વળતા પ્રહારમાં ધરમનગર આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા નયન મુકેશભાઈ પ્રજાપતિ નામના 30 વર્ષના યુવાન ઉપર અનિરુદ્ધસિંહ અને રૂબીનાબેન સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્ને યુવકને સારવારમાં ખસેડાતા બન્ને ઈજાગ્રસ્તો સાથે આવેલા તેના પરિવારજનો અને મિત્રો વચ્ચે ઈમરજન્સી વોર્ડમાં બઘડાટી બોલી હતી. તે દરમિયાન ફરજ પર હાજર રહેલા સિક્યુરીટી ગાર્ડના જવાનોએ બન્ને પક્ષ પાસેથી હથિયારો કબ્જે કરી મામલો થાળે પાડ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોિસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.