બે વર્ષ પહેલાં મિત્રએ સાચવવા આપેલી પિસ્તોલ સાથે ભગવતીપરાનો શખ્સ ઝડપાયો
ભગવતીપરા મેઈન રોડ પરથી રીક્ષા ડ્રાઇવર સમીરશાહ શાહમદાર નામનો શખ્સને પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે બી. ડિવિઝન પોલીસે દબોચી રૂૂ.25500 નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. બે વર્ષ પહેલાં મિત્રએ સાચવવા આપેલ પીસ્ટલથી વિસ્તારમાં રોફ જમાવતો હોવાની કબૂલાત આપી હતી.
બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સુધીર એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ જે. આર.સોલંકી અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફને ભગવતીપરાથી બેડી ચોકડી તરફ જતાં રસ્તા પર એક શખ્સ હથીયાર સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ત્યાં હાજર શખ્સને પકડી તેનું નામ પૂછતા સમીરશાહ ઇકબાલશા શાહમદાર (ઉ.વ.29)(રહે. ભગવતીપરા, જયપ્રકાશનગર શેરી નં.1) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આરોપીની તપાસ કરતાં તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ રૂૂ.25 હજાર અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવતાં તમામ મુદામાલ કબ્જે કર્યો હતો.તે રીક્ષા ડ્રાઇવિંગ કરે છે અને તેને પિસ્ટલ અને જીવતા કાર્ટુસ બે વર્ષ પહેલાં તેના મિત્રએ સાચવવા માટે આપ્યાં હતાં.જે બાદ તેના મિત્રનું મૃત્યુ થતાં તે પિસ્ટલ તેમની પાસે રાખી હોવાની પ્રાથમિક કબુલાત આપી હતી.