સુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન
રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી સૌથી મોટું સાયબર ફ્રોડ
ઝડપાયું છે. સુરત પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ 164 બેંક એકાઉન્ટમાંથી 89 બેંક એકાઉન્ટ તો RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જોકે અન્ય 75 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.
સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી, આ દરમિયાન એક મોપેડને રોકવામાં આવ્યું, ત્યારે સમગ્ર સામે આવ્યું અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો બેંક એકાઉન્ટ ખોલી નાખતા હતા. બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
પૂછપરછમાં રોહને કબૂલ્યું કે સરથાણાનો મિત ખોખર આ સામગ્રી પાંડેસરામાં કોઈને આપવા માટે મોકલતો હતો. પોલીસે તરત મિત ખોખારની ધરપકડ કરી અને પૂછપરછ કરતાં જાણ થઇ કે તેણે ગોપીનાથનગરના કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને અનેક લોકો પાસેથી કમિશનના લાલચમાં ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતાં અને એ આધારે કરંટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં.આ અંગે મિતની ઓફિસે તપાસ કરતાં અનેક ગેરકાયદે ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતાં અને તેની પાસેથી કિરાત જાદવાણી સુધી પહોંચ્યા હતા. તેની ઓફિસમાંથી 5 લેપટોપ, 3.50 લાખ રોકડ, 35 પાસબુક, એટીએમ કાર્ડ્સ અને પૈસા ગણવાનું મશીન મળ્યું હતું. આ બન્ને આરોપી દેશમાં બેરોકટોક સાયબર ફ્રોડ ચલાવતા હતા. આરોપી દિવ્યેશ સાથે મળીને આ બંને આરોપી સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપી રહ્યા હતા.
આ કૌભાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશવ્યાપી હોવાનું પણ સામે આવ્યું છે. કીરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. હાલ, સુરતની ઉધના પોલીસ દ્વારા તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.