લોહાણાપરામાં દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ 85 હજારની તફડંચી કરી: બંન્ને ઝડપાઇ
લોહાણાપરામાં આવેલ દરીયાલાલ સ્ટીલ નામની દુકાનમાં માલીકની નજર ચૂકવી રૂૂ.85 હજાર રોકડ સહિતના ડોક્યુમેન્ટ ભરેલ થેલાની ચોરી કરનાર બે તસ્કરણને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુ વિગતો મુજબ,150 ફૂટ રિંગ રોડ પર કૈલાસ ધારા પાર્ક શેરી નં.2 માં રહેતાં કેતનભાઇ ચંદ્રકાંતભાઈ રાયઠઠા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને પંદર વર્ષથી લોહાણાપરા કંસારાવાડીની સામે દરીયાલાલ સ્ટીલ નામની દુકાન આવેલ છે, ત્યાં તેઓ વાસણ વેંચવાનો વેપાર કરે છે. ગઇ તા.13/01/2025 ના રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓ લઘુશંકા કરવા ગયેલ અને તેઓની દુકાને તેમનો દીકરો ધ્રુમીલ એકલો હાજર હતો. ત્યારે કોઈ અજાણી મહીલાઓ દુકાનમા વાસણ ખરીદવા આવેલી હતી.
તેમને વાસણ લેવા હોય તેમ કહેતાં તેમને ફરિયાદીના પુત્રએ અજાણી મહીલાઓને અલગ અલગ વાસણો બતાવેલ અને વાસણ જોઈને આ મહીલાઓ જતી રહેલ હતી. બાદમાં ફરિયાદી દુકાને પરત આવેલ અને પિતા-પુત્ર દૂકાન બંધ કરી ચાલ્યા ગયેલ હતાં. ત્યાર બાદ 14/01 ના મકરસંક્રાતની રજા હોવાથી દુકાન બંધ રાખેલ હતી. તા. 15 ના સવારના દસ વાગ્યાની આસપાસ દુકાને આવેલ ત્યારે મારે ખરીદેલા માલનું પેમેન્ટ કરવાનુ હોય જેથી દૂકાનના ટેબલ પર રાખેલ એક કાપડની થેલીમાં આશરે રોકડ રૂૂ.85 હજાર તથા સીટીજન બેંકની ચેકબુક, સ્લીપ બુક રાખેલ હતા. તે જોવા મળેલ નહી, ત્યારે દુકાનમાં રાખેલ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જાણ થઇ કે, તા.13/01/2025 ના રાત્રીના 11 વાગ્યે કોઇ અજાણી મહીલાઓ મ દુકાનમા વાસણ ખરીદવા આવેલી હતી તે નજર ચુકવી ટેબલ પર રાખેલ થેલી તથા તેમા રહેલ રોકડ રુપિયા તથા સીટીજન બેંકની ચેકબુક, સ્લીપ બુક ચોરી કરતી નજરે જોવામાં આવેલ હતી. જે બાદ ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા,પીઆઇ એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઈ મુકેશ મોવલિયા અને ટીમના એએસઆઈ અશોકભાઈ કલાલ,તુલશીભાઈ ચુડાસમા સહિતે તપાસ હાથ ધરતાં વાસણની દુકાનમાંથી ચોરીને અંજામ આપનાર રસીલા ઉમેશ સોલંકી અને સોનલ રાજેશ વાઘેલા (રહે. બંને વંથલી બસ સ્ટેન્ડની સામે, ઝુંપડામાં) ને સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી દબોચી લઈ રૂૂ.21500 ની રોકડ કબ્જે કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી બંને મહિલાઓએ લોહાણાપરામાં આવેલ દુકાનમાંથી ચોરી કરી તાલાલામાં ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું.