જામનગર કોર્ટ પરિસરમાં જ બે મહિલાઓ દ્વારા યુવક ઉપર હુમલો, ભારે ચકચાર
જામનગરના કોર્ટ પરિસરમાં ગઇકાલે એક અનોખો અને ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જ્યાં બે મહિલાઓએ એક યુવકને સરાજાહેર માર માર્યો હતો. આ ઘટના કેસના વિવાદને કારણે બની હતી અને મામલો એટલો ઉગ્ર બન્યો કે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. કોર્ટમાં ચાલી રહેલા એક કેસના સંદર્ભમાં બે પક્ષકારો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન યુવકે સામેવાળી મહિલાની દીકરી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા઼ બઘડાટી બોલી ગઇ હતી.
યુવકના આ શબ્દોથી રોષે ભરાયેલી મહિલાઓએ તેને કોર્ટ પરિસરમાં જ રોકીને માર મારવાનું શરૂૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બંને મહિલાઓએ યુવકને જાહેરમાં લાફાવાળી કરી હતી. તેમજ તેની સાથે ઝપાઝપી પણ કરી હતી. યુવકને માર મારતા જોઈને અન્ય લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે થોડા સમય માટે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને માર મારનાર મહિલાઓ તેમજ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે બંને પક્ષકારોના નિવેદનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચતા કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસે આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે જરૂૂરી પગલાં ભરવા માટે ખાતરી આપી હતી.