ભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ
ડોક્યુમેન્ટ વેરીફાય કરતા એક બંગાળનો વતની હોવાનું ખૂલ્યુય, મોબાઇલ એફએસએલમાં મોકલાયો
રાજકોટમાં મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારની પૂછપરછ
રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલાયા છે, સુરતમાં 134 માંથી 90 ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું ખૂલ્યું હતું.પોલીસની 134ની તપાસ પૂરી થતા સરકારને રિપોર્ટ કરાયો હતો અને પોલીસે સમગ્ર ગુજરાતમાંથી અલગ-અલગ બાંગ્લાદેશીઓને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી હતી અને અમદાવાદમાં 800થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા.ત્યારે રાજકોટમાં પણ વસવાટ કરતા બાંગ્લાદેશીઓના રહેઠાણ સ્થળે પોલીસે તપાસ કરી હતી.
ત્યારે રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નં.4માં ઇમિટેશન જ્વેલરીના જોબવર્કનું કામ કરતાં પશ્ચિમ બંગાળના વેપારી સહિત ચાર શખ્સમાંથી એક શખ્સે પાકિસ્તાન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ચારેયની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી અને તેમાંથી બે શખ્સના મોબાઇલ કબજે લઇ તપાસ માટે સાયબર સેલમાં મોકલી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો અનુસાર,સુખસાગર સોસાયટી શેરી નં.4માં રહેતા અને એમ.એ.કાસ્ટિંગના નામે ધંધો કરતાં મોફિઝ બંગાલીને ત્યાં ગત તા.19મી એપ્રિલે પશ્ચિમ બંગાળથી આતિફ અને અમન નામના બે શખ્સ નોકરી માટે આવ્યા હતા. દરમિયાનમાં ગત તા.25 અને 26ના રોજ પોલીસ દ્વારા ભગવતીપરા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પશ્ચિમ બંગાળના અમનનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો અને રવિવારે તા.27મીએ મોફિઝના કર્મચારીઓના વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઇ જતા મોબાઇલ પરત આપી દેવાયો હતો.
બાદમાં પોલીસને એવી પણ બાતમી મળી હતી કે, પશ્ચિમ બંગાળથી આવેલા બે શખ્સમાંથી એક શખ્સ પાકિસ્તાન સાથે સંપર્કમાં છે અને 19મીએ રાજકોટ આવ્યા બાદ ત્રણેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો સંપર્ક કર્યો હતો.આથી બી ડિવિઝન પોલીસના પીઆઇ રાણે અને સ્ટાફે એમ.એ. કાસ્ટિંગના માલિક મોફિઝ અને તેને ત્યાં કામ કરતાં આતિફ, આસીબુલ અને અમનને ઉઠાવી લીધા હતા અને તેમની પૂછપરછ હાથ ધરી અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાયા હતા.તે ડુપ્લીકેટ હોવાની શંકા છે.
આ મુદ્દે બી.ડિવિઝન પીઆઇ રાણેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એમ.એ.કાસ્ટિંગના માલિક મોફિઝ સહિત ચાર શખ્સની પૂછપરછ ચાલુ છે અને તેમાંથી બે શખ્સના મોબાઇલ કબજે કરી તપાસ માટે સાયબર સેલમાં પણ મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ હજુ બાકી છે.બંનેને મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારનું પણ નિવેદન લેવાયું હતું.તેમજ બંને શખ્સોમાંથી એકના માતા હાલ બીમાર છે જેનું વેરિફિકેશન કરતા વતન બંગાળમાં વાત કરી હતી જેથી બંને બંગાળના હોવાનું જાણવા મળ્યું હતું.એક છે જે અહીં છ વર્ષથી રહે છે.ચર્ચાતી વિગતો મુજબ પશ્ચિમ બંગાળથી આવેલા અમને ત્રણેક વખત પાકિસ્તાન ઇન્સ્ટાગ્રામથી ચેટ કરી હતી અને સોશિયલ મીડિયાથી વાત કરી હતી.
દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્ત્વો પર પોલીસની બાજનજર
છેલ્લાં થોડાં વર્ષથી દેશમાં વસતાં ભારત વિરોધી પરિબળો સક્રિય બન્યાં છે.ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદને લઈને નવી દિલ્હી સરકાર ભારે ગંભીરતા સાથે સક્રિય બની છે.તેમજ પહલગામ હુમલા બાદ સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ બે દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે તેવામાં સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય અને આ સમયે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે રાજકોટ પોલીસે પણ લાલ આંખ કરી છે અને હાલ રાત્રે શકમંદોને તપાસવામાં આવી રહ્યા છે અને રાત્રે વાહન ચેકીંગ પણ તેજ કરાયું છે.તેમજ સાયબર સેલની ટિમ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે.