સાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલો
સાયલા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મનદુ:ખને કારણે હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો. બે વિદ્યાર્થીઓ ઉપર હુમલો થતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજના સમયે શાળા છૂટ્યા બાદ ઘરે જવાના સમયે કેટલાક વિદ્યાર્થીઓએ અન્ય બે વિદ્યાર્થીઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનેલા બંને વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ગોસળ ગામના હોવાનું જાણવા મળ્યું છે.
હુમલો થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી બનાવની વિગતો મેળવી હતી. જોકે, મોડી સાંજ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને પક્ષના આગેવાનો દ્વારા આ મામલો થાળે પાડવા માટે સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ વચ્ચે જ હુમલાની ઘટના બનતા શાળા પ્રશાસનની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. શાળાના જવાબદાર તંત્ર દ્વારા મોડે સુધી કોઈ નિવેદન કે કાર્યવાહી જાહેર ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓથી વાલીગણમાં પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતાની લાગણી વ્યાપી છે. સાયલા પોલીસ દ્વારા હાલમાં બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે, અને યોગ્ય તપાસ બાદ જ હુમલાનું સાચું કારણ બહાર આવશે.