સૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા
રાજકોટ, અમરેલી અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલના ટીસીમાંથી કોપર વાયરની ચોરી કરતી ટોળકીને વીરપુર પોલીસે ઝડપી પાડી અલગ અલગ સ્થળોએ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. વીરપુર પોલીસે બે શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા છ ચોરીના ભેદ ખુલ્યા છે.
વીરપુર પંથકમાં કાલાવડ અને પીઠડિયા પાસે કોપર વાયરની ચોરી તેમજ ટીસીમાંથી ઓઈલ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ચોરીમાં સંડોવાયેલ તસ્કરોનું પગેરુ દબાવવા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ કરેલી તપાસમાં સફળતા મળી હતી. જામનગરના તમાચણના વતની અને હાલ રાજકોટ શાસ્ત્રીનગર ગાંધીગ્રામમાં રહેતા પંકજ અમૃતલાલ મારુ અને મુળ બોટાદના પાળિયાદના કાનિયાડના વતની અને હાલ શાપર-વેરાવળ રહેતા સિતારામ ગુલાબભાઈ ચેખલિયાની એલસીબીએ ધરપકડ કરી પુછપરછ કરતા આ બન્ને શખ્સોએ રાજકોટના પડધરી, ધોરાજી અને ગોંડલ તેમજ જામનગરના કાલાવડ પંથક તેમજ અમરેલીના વડિયા પંથકમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથીસક્રિય આ બન્ને શખ્સો વીરપુર નજીક રવેચી હોટલ પાસે આવ્યા હોવાની બાતમીના આધારે એલસીબીએ બન્નેને દબોચી લીધા હતાં. પુછપરછમાં આ છ જેટલી કોપર વાયર ચોરીના ભેદ ઉકેલાયા છે. જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી. ગોહિલ, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બડકોદિયા, નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સામડા, હરેશભાઈ પરમાર, ભાવેશભાઈ મકવાણા, મિરલભાઈ ચંદ્રવાડિયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.