જામજોધપુર નજીક નિંદ્રાધિન બે શ્રમિકોને બોરવેલના ટ્રકે કચડી નાખ્યા
જામનગર જિલ્લાના જામજોધપુર ના વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી, અને બે પરપ્રાંતિય શ્રમિક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલા બોરવેલ ના ચાલકે નિંદ્રાધીન અવસ્થામાં રહેલા બંને શ્રમિકોને કચડી નાખતાં બન્ને ના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક વાડીમાં બોરવેલ નું કામ ચાલી રહ્યું હતું, અને અંદાજે 1500 ફૂટબોર કરવા માટેનું નક્કી કરાયું હતું, જેમાં એક બોરવેલ મારફતે 1000 ફૂટ ઉંડો બોર કરી લેવાયો હતો, પરંતુ તેના વધારાના 500 મીટરના પાઇપ ઘટતાં અન્ય બોરવેલ ને બોલાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પાછળથી આવેલા બોરવેલ ના ચાલકે અગાઉના બોરવેલ માં કામ કરી રહેલા બે શ્રમિકો ભંગી આસારામ સેનાની (ઉંમર વર્ષ 15) તેમજ રીતેશ દેવીસિંગ નારગાવે (ઉંમર વર્ષ 19) કે જેઓ બંને મધ્યપ્રદેશના વતની છે, અને નિંદ્રાધીન અવસ્થામાં હતા, જે દરમિયાન રાત્રિના અંધારામાં બોરવેલ હેઠળ બંને ચગદાઈ ગયા હતા, અને અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાની જાણ થતા ભારે દોડધામ થઈ હતી.
જે બનાવ અંગે પોલીસને જાણ કરવાથી જામજોધપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે પહોંચી છે, અને બંને શ્રમિકોના મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે બોરવેલ ના ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.