સાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલો
સાવરકુંડલામાં બગડાવાસ વિસ્તારમાં એક શખ્સ પોતાની ભત્રીજી સાથે માથાકૂટ કરતો હોય આ અંગે પોલીસને જાણ થતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તે સમયે ઝઘડો કરનાર શખ્સે બે પોલીસ કર્મચારી પર હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા આ અંગે ફરજમાં રૂૂકાવટની ફરિયાદ નોંધાય છે.
પોલીસ કર્મચારી પર હુમલાની આ ઘટના સાવરકુંડલામાં ગઈકાલે સાંજે બની હતી. અહીં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયસુખભાઈ લક્ષ્મણભાઈ મકવાણા તથા એએસઆઇ જીતેન્દ્રભાઈ પર આ હુમલો થયો હતો. અહીં અમરેલી રોડ પર બગડાવાસમાં રહેતા કિરણ દેવશીભાઈ બગડાએ બંને પોલીસ કર્મચારી પર હુમલો કરી તેમને ઢીકા પાટુનો માર મારી ઘાયલ કરી દીધા હતા.
ગઈકાલે કિરણ બગડા તેની ભત્રીજી પ્રિયા સાથે ઝઘડો કરતો હતો. જેને પગલે તેની ભત્રીજીએ પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરતા પોલીસ કંટ્રોલ રૂૂમની વર્દીના આધારે બંને પોલીસ કર્મચારીઓ ડખ્ખા સ્થળે પહોંચ્યા હતા. તે સમયે આ શખસે હું પોલીસથી ડરતો નથી અને તમને બધાને મારી નાખીશ તેવી ધમકી આપી બંને પોલીસ કર્મચારીને માર મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ બારામાં સાવરકુંડલા સીટી પોલીસ મથકમાં કિરણ બગડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.