મોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા
જાહેરમાં બખેડો કરનાર બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ
રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકના કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. છરી જેવા હથિયારો સાથે લુખ્ખાઓ રાહદારીઓને ગાળો આપવાની સાથે મારકુટ કરતા હોવાના વીડિયો અવાર-નવાર વાયરલ થયા કરે છે. આજે મોરબી રોડ પર આવેલા ગીરીરાજ પાર્ટી પ્લોટ સામે છરી સાથે બે લુખ્ખાઓ રિક્ષાચાલકને માર મારી રિક્ષામાં તોડફોડ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ બી-ડીવીઝન પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી રોડ પર હાથમાં છરી સાથે બે લુખ્ખાઓ રિક્ષાચાલક સાથ ગાળાગાળી કરી મારકુટ કરતા હોવાનો અને પથ્થરથી તેની રિક્ષામાં તોડફોડ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બી-ડીવીઝન પોલીસના ધ્યાને આવતા પોલીસે તપાસ કરતા રિક્ષાચાલક સાથે મારામારી કરનાર બને અરબાઝ ઉર્ફે અબુ મહેબુબભાઈ ભાડુલા (ઉ.વ.21) અને ઈમરાન મહેબુબભાઈ ભાડુલા (ઉ.વ.27, રહે. બને ચામડીયાપરા, ખાટકીવાસ, મોરબી) હોવાનું ખુલતા બને સામે ગુનો દાખલ કરી બનેની અટકાયત કરી હતી.