વીંછિયામાં રૂા.4.39 લાખના PGVCLના વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ગ્રામ્ય એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી રૂા.9.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વિંછીયા પંથકમાં પીજીવીસીએલના વાયર ચોરીની ઘટનામાં ગ્રામ્ય એલસીબીએ ભેદ ઉકેલી નાખી રૂા.4.39 લાખના ચોરીના વાયર સહીત રૂા.9.50 લાખનો મુદામાલ કબજે કરી કચ્છના અંજારના બે શખ્સોની ધરપકડ કરી હતી.રાજકોટ એલસીબી ટીમે વિંછીયા વિસ્તારમાં પીજીવીસીએલના લાખો રૂૂપિયાના એલ્યુમિનિયમ અને કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આ મામલે એલસીબીએ કચ્છના અંજારના બે શખ્સોને ઝડપી પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં અશોક જીવા ઠક્કર અને બાબુ ભીખા વડેયાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 2360 કિલો એલ્યુમિનિયમ અને કોપર વાયર, જેની અંદાજિત કિંમત ₹4,39,000 છે, તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન સહિત કુલ ₹9,50,000નો મુદ્દામાલ કબજે કરાયો છે.ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને વિંછીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ચોરી અંગેની વધુ તપાસ વિંછીયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પીઆઇ વિ.વી. ઓડેદરા અને તેમની ટીમે કામગીરી કરી હતી.