હડમતાળા જીઆઇડીસીમાં 25 હજારના એન્જિન મોડયુલની ચોરીમાં બે શખ્સો ઝડપાયા
કોટડાસાંગાણીના હડમતાળા જીઆઇડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને ₹17.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પકડાયેલ બન્ને શખ્સોની પુછપરછ શરૂ કરી છે. ચોરી થયેલ 25 હજારનું એન્જીન અને બે વાહનો કબજે કરવામાં આવ્યા છે.
લગભગ પંદર દિવસ પહેલા હડમતાળા જીઆઇડીસીમાં પાર્ક કરેલા બે આઈસર વાહનોમાંથી એન્જિન કંટ્રોલ મોડ્યુલની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા ચોરીમાં સંડોવાયેલ બે શખ્સોની ઓળખ થઇ હતી. જેના આધારે પોલીસે અરડોઈ ગામના ભરતભાઈ જેબલીયા અને અજયભાઈ જેબલીયા નામના બે શખ્સોની અટકાયત કરી છે. તેમની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, ચોરાયેલા એન્જિન કંટ્રોલ મોડ્યુલ અને જે ટાટા કંપનીના આઈસરમાં ચોરાયેલું મોડ્યુલ ફિટ કરાયું હતું તે આઈસર વાહન સહિત કુલ ₹17,25,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.