બામણબોરની બે સગીર બહેનોને ચોટીલાનો શખ્સ ભગાડી ગયો
16 વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી હતી : પગાર લેવા જવાનું કહી બંન્ને બાળા લાપતા થતા ફરિયાદ
સગીરા જયાં કામ કરતી ત્યાં ચોટીલાનો શખ્સ બધાને તેની પત્ની કહેતો : બંન્નેનો પગાર પણ લેતો ગયો !
બામણબોર પંથકમાં મામાના ઘરે રહી કારખાનામાં કામ કરતી 16 અને 14 વર્ષની બે બહેનો બે દિવસ પહેલા કારખાને પગાર લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં ચોટીલાનો શખ્સ બંને બહેનોને ભગાડી જવા સાથે તેણીના કારખાનામાંથી પગાર પણ લેતો ગયો છે. સગીરા પોતાની પત્નિ હોવાનું તે કારખાનામાં બધાને કહેતો હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ આ બનાવમાં એરપોર્ટ પોલીસે નવાગામ બામણબોર પંથકમાં રહેતાં બંને બાળાઓના મામાની ફરિયાદ પરથી ચોટીલાના ત્રંબોડા ગામના વિજય જીવરાજભાઇ સાડમીયા-દેવીપૂજક વિરૂૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરી ગુજરાન ચલાવુ છું. મારે ત્રણ દિકરા અને પાંચ દિકરી છે. જેમાં એક દિકરી ચોટીલા પંથકમાં સાસરે છે. તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જે પૈકી એક દિકરી 16 વર્ષની, બીજી 14 વર્ષની અને ત્રીજી 12 વર્ષની છે. જેમાં 14 અને 12 વર્ષની દિકરીઓ એકાદ વર્ષથી નવાગામ બામણબોર પંથકમાં મામાના ઘરે રહી કારખાનામાં કામે જતી હતી. આ બંને પૈકી 16 વર્ષની મારી ભાણીને તેની સાથે કારખાનામાં કામ કરતાં ત્રંબોડા-ચોટીલાના વિજય સાડમીયા સાથે પ્રેમસંબંધ હોવાની મને જાણ થતાં તેને મેં અઠવાડીયાથી કામે જતી બંધ કરી દીધી હતી.
દરમિયાન તા. 7ના સાંજે છએક વાગ્યે મારી બંને ભાણી કારખાનેથી પગાર લેવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત સુધી પાછી ન આવતાં આસપાસમાં અને સગા સંબંધીઓને ત્યાં તેમજ તેના ઘરે ચોટીલા પંથકમાં તપાસ કરવા છતાં બંને મળી આવી નહોતી. ત્યારબાદ તા. 8ના સવારે આઠેક વાગ્યે હું અને મારા પત્નિ બામણબોર જીઆઇડીસીમાં સ્વસ્તિક કારખાને તપાસ કરવા ગયા હતાં. જ્યાંથી અમને જાણવા મળેલુ કે મારી મોટી ભાણેજ 16 વર્ષની છે તેણીને કારખાનામાં સાથે જ કામ કરતાં વિજય સાડમીયા સાથે પ્રેમસંબંધ હોઇ એ બંને અવાર-નવાર સાથે જોવા મળતાં હતાં. વિજય તો આ સગીરા પોતાની પત્નિ હોવાનું કારખાનામાં બધાને જણાવતો હતો.
વધુ તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું હતું કે વિજય કારખાનામાંથી આ અમારી બંને ભાણીનો પગાર પણ લેતો ગયો છે. અગાઉ અમને ભાણીએ વાત કરી હતી કે તેણીને વિજય સાથે પ્રેમસંબંધ છે અને બંને લગ્ન કરવા ઇચ્છે છે.
પણ અમે તેણીને ઉમર નાની હોઇ સમજાવી હતી અને ઉમર થયે લગ્ન કરાવી આપશું તેમ કહ્યું હતું. કારખાનામાં બીજા મજૂરોને પુછતાં છેલ્લે આ બંને બહેનોને વિજય સાથે જોઇ હોવાનું કહ્યું હતું. વિજય પોતે જેને પ્રેમ કરે છે તે 16 વર્ષની અમારી ભાણેજને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે અને સાથે 14 વર્ષની નાની બહેનને પણ લઇ ગયો છે.આ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. મિશ્રાએ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.