છરીની અણીએ સગીરાની જાતીય સતામણી કરી વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને 7 વર્ષની જેલ
આટકોટમાં ત્રણ વર્ષ પૂર્વે નદી કાઠે કપડાં ધોતી સગીરાને છરીની અણીએ અવાવરું સ્થળે લઈ જઈ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કર્યાનો વિડીયો વાયરલ કરવાના ગુનામાં વિધર્મી સહિત બે શખ્સને પોકસો એકટના ગુનામાં કોર્ટે તકસીરવાન ઠેરવી સાત વર્ષની સજા અને રૂૂપિયા એક-એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જસદણના આટકોટ ગામે રહેતી સગીરા વર્ષ 2021માં નદીકાંઠે કપડાં ધોતી હતી ત્યારે આટકોટમાં જ રહેતા વીધર્મી ઈબ્રાહીમ ઉર્ફે આસિફ મહેબૂબભાઈ હોથી અને ચેતન રામજીભાઈ ઝાપડિયા નામના બંને શખ્સો બાઈકમાં ધસી આવ્યા હતા અને બંને શખસોએ સગીરાને છરી બતાવી અમે કહીએ ત્યાં ચાલ તેમ કહી બાઈક લઇ બાજુમાં નવા બનતા મકાનના અવાવરું સ્થળે પહોંચ્યા હતા. બંને શખ્સની ધમકીથી ડરી ગયેલી સગીરા પણ તેમની પાછળ ચાલીને અવાવરૂૂ સ્થળે ગઈ હતી. જ્યાં બંને શખ્સોએ સગીરા સાથે શારીરિક અડપલા કરી જાતીય સતામણી કર્યાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જે વિડિયો સોશિયલ મીડિયા મારફતે સગીરાના પરિવાર સુધી પહોંચતા પરિવારે સગીરાની પૂછપરછ કરતા સગીરાએ આપવીતી વર્ણવી હતી. આ અંગે સગીરાએ આટકોટ પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ધમકી આપી જાતીય સતામણી કરી વિડીયો વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં બંને આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ રાજકોટ સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ રાજકોટની સ્પે. પોકસો કોર્ટે બંને આરોપીને તકસીરવાન ઠરાવી સાત સાત વર્ષની સજા અને રૂૂપિયા એક એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોશી રોકાયા હતા.