ભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકી
રાજકોટ શહેરમાં ભગવતીપરા મેઈન રોડ જેમાડી દુકાન પાસે બાઈક પર સ્ટંટ કરતા શખ્સોને સમજાવવા જતાં બિલ્ડર યુવાન પર છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે બીડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવતીપરામાં આહિર સમાજની વાડી પાસે રહેતા કિશોરભાઈ સવાભાઈ ડાંગર (ઉ.વ.38) નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું હતુ ંકે, તેઓ બિલ્ડર છે અને ગઈકાલે રાત્રીના સમયે જેમાડી દુકાન ભગવતીપરા મેઈન રોડ પાસે આવેલ બાંધકામ સાઈટ પરથી તેમના ઘર તરફ જતાં હતા ત્યારે તેઓ શિવ પંજાબી-ચાઈનીઝ નામની દુકાન પાસે પહોંચતા તેમની આગળ સ્કૂટર લઈને જતાં બે શખ્સો કે જેઓ સ્ટંટ કરીને આડુ-અવળુ સ્કૂટર ચલાવતા હોય તેમને વાહન સરખુ ચલાવવાનું કહેતા બન્ને શખ્સો ઉશ્કેરાયા હતાં. અને સ્કૂટર રોકી એક શખ્સે છરી કાઢી માથાના ભો અને પગના ભાગે છરીના ઘા માર્યા હતાં અને આરોપીઓ ભાગી ગયા હતાં જેથી ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ મામલે પીએસઆઈ ડી.બી. ગાધે તપાસ ચલાવી રહ્યા છે.