અટલ સરોવરના સ્ટાફ ક્વાર્ટરમાં સિક્યોરિટી સહિત બે શખ્સોનો સુપરવાઈઝર પર હુમલો
રાજકોટ શહેરના નવા રીંગ રોડ પર આવેલા અટલ સરોવર સ્ટાફ ક્વાટર્સમાં સુપરવાઈઝરને સીક્યોરીટીમેન સહિત બે શખ્સોએ પાઈપ વડે મારમારતા તેમને સારવાર અર્થે ખસેડાયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ છે.
બનાવની વધુ વિગત અનુસાર અટલ સરોવર સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા ઈમરાન અકતરઅલી (ઉ.વ.24) નામના યુવાનને રાત્રીના સમયે સિક્યોરીટીમેન ઈમ્તિયાઝ તથા તેમની સાથેના શખ્સે સળિયા વડે માર મારતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. ઈમરાને જણાવ્યું હતું કે, પોતે અટલ સરોવરમાં સુપરવાઈઝર છે તેમજ આરોપી સિક્યોરીટી ત્યાં ગેઈટ પાસે ફરજ બજાવે છે. ગઈકાલે પબ્લીકને ચેક કરી તેની પાસેથી મળી આવતા ફાંકી, પાન અને બીડી ડબલામાં નાખતો હતો તેમાં પોતે આ ડબલામાં પાણી નાખતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદી મુળ આસામનો વતની છે.આ મામલે યુનિવર્સિટી પોલીસે ઈમરાનની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.