92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ!
સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને જુનાગઢના યુવાને સુરતમાં રહેતા 92 વર્ષના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ઘટનામાં સુરત પોલીસે એક ટોળકીને ઝડપી લીધી હતી.જેમાં સુરત રહેતા અને મુળ જુનાગઢના પાર્થ ગોપાણીનું નામ ખોલતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પાર્થ હાલ સુરતના કડોદરા વિસ્તારમાં રહે છે. તેમજ બી.કોમ સુધીનો અભ્યાસ ર્ક્યો છે. ત્યાર બાદ તેમને દોઢ વર્ષ પહેલા વિદેશમાં નોકરી મળી ગઇ છે. તેમ કહી ઘરેથી કંબોડીયા ચાલ્યો ગયો હતો. હાલ તેમના પરિવારજનો પણ આ ડીજીટલ અરેસ્ટમાં પાર્થનું નામ ખુલતા તેઓ અજાણ હતા.
આ ઘટનામાં 92 વર્ષના વૃદ્ધને આ ઘટનાની ક્ષણે ક્ષણ યાદ હતી અને પોલીસે વૃદ્ધને તેમજ સ્કેટ એક્સપર્ટ દીપેન જગ્ગીવાલાને બોલાવીને પાર્થનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ પણ જણાવ્યું હતું કે, પાર્થ હાલ તે કમ્બોડિયામાં હોવાની માહિતી મળી રહી છે. હોસ્પિટલમાં દાખલ હોવા છતાં વૃદ્ધે મુખ્ય આરોપી પાર્થના ચહેરાનું સૂક્ષ્મ વર્ણન સાફ શબ્દોમાં સ્કેચ નિષ્ણાતને જણાવ્યું હતું. આરોપી અંગે એક-એક જાણકારી હોસ્પિટલના બેડ પર બેસીને એક્સપર્ટને આપી હતી.
લગભગ એક કલાકમાં આ સ્કેચ તૈયાર થઈ ગયું હતું અને સ્કેચ તૈયાર થયા બાદ જ્યારે વૃદ્ધને દેખાડ્યું તો તેઓએ કહ્યું કે, આ સ્કેચ આરોપીના ચહેરા સાથે 90 ટકા મેળ ખાય છે. સ્કેચ એક્સપર્ટ દીપેન જગ્ગીવાલાએ જણાવ્યું કે, વૃદ્ધની ઉંમર ભલે 92 વર્ષ છે પણ તેમનું મગજ એકદમ તેજ હતું. તેઓએ આરોપીનું એકદમ બારિકાઈથી વર્ણન કર્યું હતું. વૃદ્ધે 1 કલાક સુધી ખૂબ જ શાંતિપૂર્વક આરોપીનો હુલિયો વર્ણવ્યો હતો. સ્કેચ આશરે 90 ટકા આરોપીના ચહેરા સાથે મેળ ખાતું હતું.