રાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયા
કેશોદમાં ચીલઝડપ કરનાર રાજકોટના 2 શખ્સને પોલીસે જૂનાગઢમાંથી પકડી રૂૂપિયા1,94,030નો મુદ્દામાલ કબજે લીધો હતો. કેશોદમાં મહિલાના ગળામાંથી અજાણ્યા ડબલ સવારી બાઈક ચાલકો રૂૂપિયા 1,77,150ની કિંમતના 31.620 ગ્રામ સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયા હતા.આ ગુનામાં સંડોવાયેલ રાજકોટમાં રાજ રાજેશ્વરી પાર્ક, નાણાવટી ચોક 150 ફૂટ રીંગ રોડ પર રહેતો 30 વર્ષીય વ્રશાંત ઉર્ફે શ્યામ વિજય ધનેશા અને રાજકોટમાં સોમનાથ સોસાયટી શેરી નંબર 11 અક્ષર સ્કૂલની બાજુમાં ગોપાલ ચોક 150 ફૂટ રીંગ રોડ વિસ્તારનો નિશિત હિતેશ ચોકસી સંડોવાયેલ હોવાની અને બંને જુનાગઢ શહેરમાં જીજે 03 એમજે 4988 નંબરના બાઈક પર આંટાફેરા કરતા હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલની ટીમે તપાસ હાથ ધરી હતી અને દોલતપરા ઇગલ ગણપતિના મંદિર નજીકના બગીચા પાસેથી બંનેને પકડી લીધા હતા. પૂછપરછમાં કેશોદ અને જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી હોવાની કબુલાત આપી હતી.
અને મુદ્દામાલ રાજકોટમાં વેચ્યો હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે બંને પાસેથી રૂૂપિયા 14,030ની રોકડ, ત્રણ મોબાઈલ, સોનાનું 10 ગ્રામનું બિસ્કીટ અને બાઈક મળી કુલ રૂૂપિયા 1,94,030નો મુદ્દામાલ કબજે કર્યો હતો.વ્રશાંત ઉર્ફે શ્યામ વિજય ધનેશા સામે સાવરકુંડલા પોલીસ મથકમાં હત્યા, ચોરીના 3 ગુના, જામનગર સી ડિવિઝન તથા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરી અને સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં હથીયારનો ગુનો નોંધાયો હતો. જ્યારે નિશિત હિતેશ વિરુદ્ધ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.