ગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો
ગોંડલના શિવરાજગઢ ગામે રહેતાં યુવાને પોતાના ઘર પાસેથી ગણેશ પંડાલ દૂર રાખવાનું કહેતાં બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના શિવરાજગઢ ગામે રહેતાં અશ્વિન વનરાજભાઈ સાકરીયા નામનો 36 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે કાલી અને ભયલો નામના શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સો ગઈકાલે ગણપતિનું સ્થાપન કરતાં હતાં ત્યારે ઈજાગ્રસ્ત અશ્ર્વિન સાકરીયાએ પોતાના ઘર પાસેથી ગણેશ પંડાલ થોડુ દૂર રાખવાનું કહેતાં હુમલાખોર બન્ને શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.