સ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો
શહેરના કરણપરામાં રહેતા અને બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન પાસે પાર્ક કરેલું સ્કૂટર હટાવતા બે શખ્સને ટપારતા બંને શખ્સોએ વેપારી ઉપર હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ માતાને પણ માર માર્યો હતો. વેપારીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના કરણપરામાં રહેતા અને બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે દુકાન ધરાવતા હિરેનભાઇ હર્ષદભાઈ નરસાણા (ઉ.વ.47) અને તેના માતા જયશ્રીબેન નરસાણા (ઉ.વ.70) બુધવારે રાત્રે આઠેક વાગ્યે પોતાની દુકાને હતા ત્યારે બે શખ્સ સ્કૂટર પર આવ્યા હતા, હિરેનભાઈની દુકાનની બહાર બંનેએ પોતાનું સ્કૂટર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તે જગ્યાએ હિરેનભાઇએ પોતાનું સ્કૂટર પાર્ક કેવું હતું તેને ખસેડવાનો બંનેએ પ્રયાસ કર્યો હતો. હિરેનભાઈએ દુકાનમાંથી તે સ્કૂટર પોતાનું હોવાનું કહેતાં બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને બંને શખ્સ તેના પર તૂટી પડી ઢીકાપાટુનો મારમાર્યો હતો, પુત્રને બચાવવા તેમના માતા જયશ્રીબેન (ઉ.વ.70) બહાર નીકળતા હુમલાખોરોએ તેમને પણ મારમાર્યો હતો, હુમલામાં હિરેનભાઈને મૂંઢમાર લાગતા તેમજ તેનો હાથ મરડી નાખ્યો હોય તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-