‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલો
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને બે શખ્સોએ તું પોલીસને દારૂૂની કેમ બાતમી આપે છે? તેમ કહી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અરવિંદ મોહનભાઈ રાઠોડ નામનો 38 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે પુષ્કળધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પિયુષ અને અને કુણાલ નામના શખ્સોએ તેને રોકી તું કેમ પોલીસને દારૂૂની બાતમી આપે છે તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ રાઠોડ અને હુમલાખોર બંને શખ્સો મિત્રો છે. ત્રણ મહિના પહેલા ઝઘડો થયો હતો ત્યારથી મિત્રતામાં વેરના બીજ રોપાયા હતા અને ગઈકાલે પોલીસને દારૂૂની બાતમી આપ્યાની શંકાએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.