છાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયા
શહેરના મોરબી રોડ પર સોહમનગરમાં રહેતાં અને રાય યુનિવર્સિટીમાં ઈજનેરીનો અભ્યાસ કરતાં 26 વર્ષિય રણધીર કારીયાનું તેની જ કારમાં અપહરણ કરી રૂા.4.65 લાખની લુંટ ચલાવવામાં સંડોવાયેલા રાજકોટનાં મોરબી રોડ પર રહેતાં મનીષ ઉર્ફે મોહિત ચમન ગોહેલ અને અલ્બાજ ઉર્ફે રહીસ મોહમદભાઈ ભાડુુલાને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયાની ટીમના દિપકભાઈ ચૌહાણ, રાજેશભાઈ જડુ અને વિશાલભાઈ દવેએ સાબરમતી રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધા હતાં.
આ બન્ને શખ્સોએ થોડા દિવસો પૂર્વે રણધીરને મળવા બોલાવી મોહિત અને રહીશે સાથે મળી કારમાં અપહરણ કરી એઈમ્સ હોસ્પિટલ પાસે લઈ જઈ છરીના ઉંધા ઘા માર્યા હતાં અને રણધીરના પિતાને ફોન કરી પોતાને સાયબર ક્રાઈમના અધિકારી તરીકેની ઓળખ આપી 40 લાખની ખંડણી માંગી હતી. ગત તા.13/8નાં રોજ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ બન્ને આરોપીને પકડવા કામે લાગી હતી. જેમાં બન્નેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ વી.ડી.ડોડીયા, અમીતભાઈ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા, જયરાજસિંહ કોટીલા, પ્રદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.