માણાવદરની ઓપેરા મીલમાં ઘુસેલા બે બુકાનીધારીનો ચોરીના ઇરાદે ગાર્ડ પર હુમલો
માણાવદરના મિતડી ગામથી ઈલાસરી ધાર તરફ જતા રસ્તા પર આવેલી ઓપેરા મિલમાં આ ઘટના બની હતી. મિલમાં છેલ્લા અઢી વર્ષથી 60 વર્ષીય ભુપતભાઈ કાદુભાઈ ચૌહાણ ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. મોડીરાત્રે ભુપતભાઈ શેડમાં સૂતા હતા, જ્યારે અન્ય એક કારીગર ઉમેશ કુમારપાલ તેની ઓરડીમાં હતો. મોડીરાત્રિના મોઢે કપડું બાંધેલી હાલતમાં બે અજાણ્યા શખસો ઓપેરા મિલની અંદર ઘૂસ્યા હતા.તસ્કરો મિલમાં બારીનો કાચ તોડીને ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, જે દરમિયાન હલનચલનનો અવાજ આવતાં જ સિક્યુરિટી ગાર્ડ ભુપતભાઈ જાગી ગયા હતા. જાગી ગયેલા ભુપતભાઈએ બે શખસોને પડકાર્યા હતા.
ચોકીદારે તસ્કરોનો સામનો કરવાની હિંમત દાખવતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ જવાની અણી પર હતો. પરંતુ, પરિસ્થિતિનો સામનો કરવાને બદલે તસ્કરોએ હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. એક શખસ મિલ માલિકની બાઇક ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે બંને શખસોએ ભેગા મળીને ભુપતભાઈ ચૌહાણ પર હુમલો કર્યો હતો. તસ્કરોએ લોખંડની કોશ અને પક્ષી મારવાની દોરી જેવી વસ્તુઓ વડે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાથી માર માર્યો હતો.તસ્કરોના હુમલામાં ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોતાનો જીવ બચાવવા માટેનો પ્રયાસ કરી રહેલા ભુપતભાઈને માર મારીને બંને શખસો મિલની દીવાલ ઠેકીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ચોરીનો પ્રયાસ તો નિષ્ફળ ગયો, પરંતુ સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મિલના સંચાલકો દ્વારા આ સમગ્ર બનાવ અંગે માણાવદર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમ મિલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ અને સિક્યુરિટી ગાર્ડ પર થયેલો હુમલો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેના આધારે તસ્કરોની ઓળખ કરવાની અને તેમને પકડવાની કવાયત હાથ ધરી છે.