લીંબડી નજીક હોટેલ પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા બેનાં મોત, 6ને ઇજા
અમદાવાદ, ઈસનપુર, વિશાલનગર પાછળ મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા પિયુષકુમાર શાંતિલાલ ચૌહાણ, પત્ની શારદાબેન, ભાઈ અતુલ ચૌહાણ, તેના પત્ની રમીલાબેન તેની ત્રણેય પુત્રી એશા, જીનલ, સિદ્ધી તથા નાનાભાઈનો પુત્ર જીત તા.24 નવેમ્બરની વહેલી સવારે 3 વાગ્યે અમદાવાદથી ભાવિક પંચાલની કાર ભાડે બાંધીને દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા. ભાવિક કાર ચલાવતો હતો અને અતુલ તેની બાજુની સીટમાં બેઠો હતો. સવારે પાંચેક વાગ્યે દર્શનાર્થીઓની કાર લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિયા સામે આવેલી રાધિકા હોટલ પાસે પહોંચી હતી.
ચાલક ભાવિકે કાબૂ ગુમાવી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસાડી દીધી હતી. કાર ચાલક ભાવિક સહિત દર્શનાર્થીઓને ઈજા પહોંચી હતી. ઘાયલોને લીંબડી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ લઇ જવાયા હતા. તા.25 નવેમ્બરે સારવાર દરમિયાન દર્શનાર્થી અતુલ ચૌહાણનું મૃત્યુ થયું હતું. કારચાલક ભાવિક પંચાલનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દર્શનાર્થી પરિવાર લૌકિક વ્યવહાર અને સારવારમાં રોકાયેલો હોવાથી તા.2 ડિસેમ્બરે મૃતક કારચાલક ભાવિક પંચાલ સામે પાણશીણા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાવ્યો હતો.