જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા 21 વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ કરી તેને જાહેર ચોકમાં લઈ જઈ 15 શખ્સોએ હુમલો કરી તેના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. તેમજ યુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા સમીર આબીદભાઈ ખેરાણી ઉ.વ.21 નામનો યુવાન ખિરસરા ગામના રોડ ઉપર પોતાની નોનવેજની દુકાનબંધ કરી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં સલીમ, અલ્તાફ, મહેબુબ સહિતના શખ્સોએ બે મોટરસાઈકલમાં સમિરનું રસ્તામાંથી અપહરણ કર્યુ હતું. અને તેને ઈલઈ ચોકમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સલીમ અલ્તાફ, મહેબુબ સહિતના અન્ય 15 જેટલા શખ્સોએ તેના પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. તેમજ તેને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઈજાગ્રસ્ત સમીરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવનું કારણ સમીરે જણાવ્યું કે, તેને એક વર્ષથી નવાગઢની સુનેરા સલીમભાઈ ખીરા સાથે પ્રેમ સબંધ હોય બે મહિના પહેલા બન્ને મોબાઈલમાં વાતચીત કરતા હોય જે બાબતની જાણ પરિવારજનોને થઈ ગઈ હતી. આઠ દિવસ પહેલા સુમેરાની સગાઈની વાત ચાલતી હોય ત્યારે સુનેરાએ પોતાને સમીર સાથે પ્રેમ સબંધ હોવાનું પરિવારજનોને જણાવી સગાઈની ના પાડી દીધી હતી. જેથી સુમેરાના પિતા સલીમભાઈ તેના કૌટુંબીક અલ્તાફ તથા કાકા મહેબુબ સહિતના શખ્સોએ સમીરનું અપહરણ કરી તેને બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા હતાં. સમીર નોનવેજનીદુકાન ચલાવે છે અને બે ભાઈ અને એક બહેનમાં વચેટ છે આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધવાતજવીજ હાથ ધરી છે.