પાન-ફાકીના પૈસા માગી ધો. 12ના છાત્રને બે લુખ્ખાઓએ લાકડી વડે બેફામ માર માર્યો
થોરાળાની સર્વોદય સોસાયટીનો બનાવ : યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા
શહેરના થોરાળા વિસ્તારમા આવેલી સર્વોદય સોસાયટીમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા સની છગનભાઇ સોલંકી નામનો યુવાન પોતાના ઘર પાસે પસાર થતો હતો ત્યારે તેની પાસેથી મોહિત ઉર્ફે કાળુ દિપકભાઇ પરમાર અને જયુ ચાવડા ત્યા આવી પહોંચ્યા હતા અને તેઓએ પાન - ફાકી ખાવાના પૈસા માગતા ફરીયાદી સનીએ પૈસાની ના પાડી દેતા બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને જયુએ લાકડી વડે અને તેની સાથેના મોહીતે પાઇપ વડે સનીને બેફામ માર માર્યો હતો જેથી તેમને માથામા સાત ટાંકા આવ્યા હતા. આ મામલે થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા એએસઆઇ એસ. ડી. પાંડે સહીતના સ્ટાફે તપાસ શરૂ કરી છે.
બીજી ઘટનામા માંડા ડુંગર પાસે હિંગળાજ પાનવાળી શેરીમા રહેતા પ્રદીપ કાળુભાઇ ડાભીએ પોતાની ફરીયાદમા વિપુલ ચૌહાણ, ચબો અને સુનીલ અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમા ગઇકાલે પ્રદીપ રાધાકૃષ્ણ પાનની દુકાને પાન - ફાકી ખાવા ગયો ત્યારે પૈસાની લેતી દેતી મામલે ચારેય શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો આ મામલે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરસુરભાઇ ડાંગરે તપાસ શરૂ કરી હતી.