વડોદરાના એકાઉન્ટન્ટ પાસે 69 લાખ ટ્રાન્સફર કરવાના કેસમાં રાજકોટના બે ઝડપાયા
કંપનીના માલિકનો ફોટો વોટ્સએપમાં મૂકી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં
વડોદરાના સમા વિસ્તારની કંપનીના માલિકનો ફોટો વોટ્સએપના પ્રોફાઇલમાં મૂકી એકાઉન્ટન્ટ પાસે રૂૂ. 69 લાખ ટ્રાન્સફર કરી લેવાના બનાવની 8 મહિના પહેલાં નોંધાયેલી ફરિયાદમાં સાયબર સેલે ઓનલાઇન ઠગો દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર બે યુવકોની ધરપકડ કરી છે. સમા વિસ્તારમાં આવેલી અંકુર સાયન્ટિફિક એનર્જી ટેકનોલોજી નામની કંપની ના એકાઉન્ટન્ટ સંજય ભટ્ટાચાર્ય પર 8 મહિના પહેલાં વોટ્સએપ મેસેજ આવ્યો હતો.
જેમાં કંપનીના માલિક અંકુર જૈનનો ફોટો હતો. મેસેજમાં આ સર નો નવો નંબર છે..તેઓ સરકારી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટની મીટિંગમાં છે,બેલેન્સ કેટલું છે તેમ પૂછી તાત્કાલિક 69 લાખ ટ્રાન્સફર કરવા કહેવાયું હતું. જેથી કર્મચારીએ રૂૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારબાદ ઠગાઇ થઇ હોવાનું જણાતાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
આ બનાવમાં રૂૂપિયા ટ્રાન્સફર થયા તે બેન્ક એકાઉન્ટ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે સાયબરના પીઆઇ બીએન પટેલે રાજકોટની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા હાર્દિક ઉર્ફે રવિ રાજેશભાઈ પરમાર (લાઈટ હાઉસ બિલ્ડીંગ, રૈયા ગામ, રાજકોટ)અને નવાજ ફારૂૂક બુખારી (જામનગર રોડ,રાજકોટ)ની ધરપકડ કરી છે. બંને જણાએ બેન્ક એકાઉન્ટની સવલત કરી આપી હોવાની અને 30 થી વધુ એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાની માહિતી ખૂલતાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.બેન્ક ખાતેદારો પાસે ચેક પર સહીઓ લઇને રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની પણ વિગતો જાણવા મળી છે.