‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલો
બગસરામાં બનેલી ઘટના : મહેમાનને તેડવા જવાનું કહી યુવાનને અવાવરૂ સ્થળે લઈ જઈ માર માર્યાની ફરિયાદ
બગસરામાં રહેતા યુવકને મિત્રએ ફોન કરી મહેમાનને લેવા જવાનું કહી બાઈકમાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ ગયા હતાં. જ્યાં બે મિત્રોએ યુવકને ‘તું મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે ?’ તેમ કહી છરી અને પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બગસરામાં આવેલા નવા જીનપરા વિસ્તારમાં રહેતો સાહિલ અસરફભાઈ ચૌહાણ (ઉ.22) ડેરપીપરીયા ચોકડી પાસે હતો ત્યારે અલ્તાફ અનવર ચૌહાણ અને અરબાજ લાખાણી નામના શખ્સે ઝઘડો કરી છરી અને પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ઈજાગ્રસ્ત યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિત્ર અલ્તાફ ચૌહાણે ફોન કરી ‘આપણે તાજીયાનું કામ કરવા જવાનું છે.
પણ મારા એક મહેમાન ડેરપીપરીયા ચોકડી પાસે આવે છે તેને લેવા જવાનું છે, તું ગાડી લઈને આવ’ તેમ કહીને અલ્તાફ ચૌહાણ અને અરબાજ લાખાણી બાઈક પર બેસાડી ડેરપીપરીયા ચોકડી પાસે અવાવરૂ સ્થળે લઈ જઈ સાહિલ ચૌહાણનો ફોન લઈ જઈ ફોન ચેક કરી ‘તું મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે’ તેમ કહી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદના આધારે બગસરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.