રિક્ષા પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી; મહિલા સહિત બેને ઈજા
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ નાણાવટી ચોક પાસે નંદનવન આરએમસી ક્વાર્ટરમાં રીક્ષા પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે પક્ષે મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોકમાં આવેલ નંદનવન આરએમસી ક્વાર્ટરમાં રહેતા તોસીફ હનીફભાઈ હુનાણી નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશી મનિષાબેન ગોપાલભાઈ આહીર સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો.
જ્યારે વળતા પ્રહરમાં મનિષાબેન ગોપાલભાઈ કનારા નામની 40 વર્ષની પરણીતા ઉપર તોસીફ સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. મારામારીમાં સામસામે બંને પક્ષે ઘવાયેલ મહિલા અને યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત તોસિફ હુનાણી અને મનિષાબેન કનારા વચ્ચે પાર્કિંગમાં રીક્ષા પાર્ક કરવા મુદ્દે ઝઘડો થયા બાદ મારા મારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.