વિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયા
રાજકોટમાં પોલીસ તરીકેની ઓળખ આપી 4 શખ્સોની ટોળકીએ છાત્ર અને તેના મિત્રો પાસેથી રૂૂા. 17,000 પડાવી લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી બે શખ્સોને પકડી લઈ બાકીના બે શખ્સોની શોધખોળ શરૂૂ કરી છે.વધુ વિગતો મુજબ,નાના મવા મેઈન રોડ પર દેવનગર 4/66ના ખુણે રહેતા અને થોડા સમય પહેલાં જ બીબીએનો અભ્યાસ પુર્ણ કરનાર અભય અશ્વિનભાઈ મુછડીયા (ઉ.વ.21) ગઈ તા. 19નાં રોજ રાત્રે બે મિત્રો નયન ભીખાભાઈ મકવાણા (ઉ.વ.19, રહે, વર્ધમાન વિહાર, કણકોટ રોડ) અને ક્રીષ રતીલાલ વાઘેલા (ઉ.વ.19,રહે, પંચરત્ન પાર્ક, કણકોટ રોડ), સાથે એક્ટીવામાં અમુલ સર્કલે આવેલી ઈન્ડાની લારીએ નાસ્તો કરી ચુનારાવાડા ચોકમાં માવો ખાવા ગયો હતો.
જયાંથી બે અજાણ્યા શખ્સોએ બાઈક ઉપર તેમનો પીછો કર્યો હતો. ભુતખાના ચોક પાસેના એચપી પેટ્રોલ પમ્પ સામેના રોડ પર બન્ને શખ્સોએ તેમને અટકાવી કહ્યું કે, તમે ત્રણ સવારીમાં કેમ છો. બાદમાં તેમના એક્ટીવાની ચાવી કાઢી લીધી હતી. તે સાથે જ બન્ને શખ્સોએ કોઈને કોલ કરી કહ્યું કે, અમે પોલીસ છીએ, અમારા સાહેબ આવે તે પછી તમને કહેશુ કે તમારો વાંક શું છે. થોડીવાર બીજા બાઈક ઉપર વધુ બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં અને તેમને કહ્યું કે, અત્યારે રાત્રે ચડ્ડો પહેરીને કેમ ફરો છો, ચાલો તમને પોલીસ ચોકીએ લઈ જવાના છે. ત્યાર પછી તેમની પાસેથી રૂૂા. 5 લાખની માંગણી કરી હતી. પરંતુ અભય અને તેના મિત્રોએ રકમ આપવાની ના પાડતા તે શખ્સોએ કહ્યું કે, પૈસા નહી આપો તો તમને બધાને રેપ કેસમાં પોપટપરાની જેલમાં ત્રણ મહિના માટે પુરાવી દેશું, તમારે પૈસા તો આપવા જ પડશે. આ પછી ત્રણેય મિત્રોના ખીસ્સા ચેક કરવા લાગ્યા હતાં.
જેમાંથી નયનના પાકીટમાંથી રૂૂા. 7,000 નીકળતા તે પડાવી લીધા હતાં. આ પછી ત્રણેય મિત્રોના આધાર કાર્ડ અને ફોન પે પણ ચેક કર્યા પછી કહ્યું કે, રૂૂા. 10,000 તો આપવા જ પડશે. જેથી અભયે તેના મિત્ર પૃથ્વીરાજસિંહ ચૌહાણને કોલ કરી રૂૂા. 10,000 ઓનલાઈન મગાવ્યા હતાં. આ પછી તે શખ્સોએ કોઈની પાસેથી સ્કેનર મંગાવ્યું હતું. જેની મદદથી અભયના ખાતામાં રહેલા રૂૂા. 10,000 ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં ચારેય શખ્સો જતા રહ્યા હતાં.આ ઘટનામાં એ ડીવીઝન પીએસઆઇ મહંત અને સ્ટાફે બે શખ્સો સમીર અને રોહિતને સકંજામાં લઇ તેની પૂછપરછ શરૂૂ કરી છે તેમજ બાકીના બે શખ્સોની પણ ઓળખ થઈ જતા તેને પકડી લેવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.