લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધા
રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે મધરાત્રે લૂંટની ચોંકાવનારી ઘટના, બાઇકમાં આવેલા ત્રણ શખ્સો ધોકાવાળી કરી ચેન લૂંટી ફરાર
રાજકોટ શહેરના ભગવતીપરાથી બેડી ચોકડી જતા અવાવરૂ રસ્તા પર અવાર નવાર મારામારી અને લુંટની ઘટના બને છે. નાની-નાની લુંટની ઘટનામાં અમુક લોકો તો ફરીયાદ નોંધાવતા પણ નથી ત્યારે ગઇકાલે બેડી ચોકડી નજીક મઢુલી હોટેલ નજીક ત્રીપલ સવારી બાઇકમાં આવેલા શખ્સોએ કુવાડવાથી માસીયાઇ ભાઇના લગ્નમાંથી મધરાતે પોપટપરા ઘરે પરત ફરતા બે સગા ભાઇ પર હુમલો કરી અને લુંટ ચલાવી હતી. આ ઘટનામાં બન્ને ભાઇનાં પગ ભાંગી નાખતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છ. તેમજ બીડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર, પોપટપરા 53 કવાર્ટરમાં રહેતા અમીત કિશોરભાઇ સોલંકી (ઉ.વ.28) અને તેનો નાનો ભાઇ સુનિલ (ઉ.વ.26) બન્ને રાત્રીના બે અઢી વાગ્યાની આસપાસ બેડી ચોકડી પાસે આવેલી મઢુલી હોટેલ પાસે હતા ત્યાર ત્રીપલ સવારી બાઇકમાં આવેલા લખન, જાવલો અને અશ્વિને લોખંડના પાઇપ વડે માર મારતા અમીતને બન્ને પગે ફેકચર અને સુનિલને એક પગે ફેકચર થયું હતું.
હાલ બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા બન્નેના નિવેદન નોંધી ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
આ ઘટનામાં અમીતે જણાવ્યું હતું કે તેમને સોની બજારમાં પાનની દુકાન છે. ત્રણ ભાઇમાન સુનિલ નાનો અને પોતે મોટો છે. ગઇકાલે કુવાડવા ગામમાં રહેતા માસીના દીકરા રોહીત પરબતભાઇ બાકુડીયાના લગ્ન હતા. રાત્રીના માંડવો હતો અને રાસગરબા હતા ત્યાંથી રાત્રીના લગભગ બેથી અઢી વાગ્યે બુલેટ લઇ બન્ને ભાઇ પોપટપરા ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બેડી ચોકડી નજીક મઢુલી હોટેલ પાસે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ધમકાવતા કહ્યું કે તમારી પાસે જે પૈસા હોય તે આપી દો અને ગભરાયલા બન્ને ભાઇએ ના પાડતા ત્રણેય શખ્સોએ પાઇપ વડે હુમલો કરી બન્ને ભાઇના પગ ભાંગી નાખ્યા હતા અને ગળામાં પહેરેલ સાડા ત્રણ તોલાનો સોનાનો ચેઇન લુંટી આરોપીઓ ભાગી ગયા હતા. આ મામલે બન્નેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવતા બી ડીવીઝન પોલીસના પીઆઇ સુધિર રાણે અને ટીમે બન્નેના નિવેદન લેવડાવી ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. સુનિલે જણાવ્યું કે આરોપીઓ માર મારી રહ્યા હતા ત્યારે એકબીજાનું નામ બોલી રહ્યા હતા. આ ઘટનામાં બીડીવીઝન પોલીસની ટીમ દ્વારા આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.